નવી દિલ્હી: એક વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન (Farmers Protest) હવે ખતમ થઈ ગયું છે. કૃષિ કાયદાની વાપસી બાદ ખેડૂતોની બાકી માગણીઓ ઉપર પણ સરકાર તરફથી પાક્કી ખાતરી મળ્યા બાદ ખેડૂત આંદોલન પૂર્ણ થયું છે.સંયુક્ત કિસાન મોરચાએ આ અંગે જાહેરાત કરી છે. આ અગાઉ પહેલા મોરચાએ લાંબી બેઠક કરી ત્યારબાદ ઘર વાપસીનો નિર્ણય લેવાયો. તેમણે કહ્યું કે 15 જાન્યુઆરીના રોજ કિસાન મોરચાની ફરી બેઠક થશે. જેમાં આગળની રણનીતિની ચર્ચા થશે. ખેડૂતોની વાપસીની જાહેરાત બાદ 11 ડિસેમ્બરથી દિલ્હી બોર્ડરથી ખેડૂતો હટશે.


એમએસપી પર કમિટી બનાવવા અને આંદોલન દરમિયાન ખેડૂતો પર નોંધાયેલા કેસ પાછા ખેંચવાને લઈને કેન્દ્ર સરકાર તરફથી લેખિત આશ્વાસન મળ્યા બાદ ખેડૂતોમાં આંદોલન ખતમ કરવા પર સહમતિ બની. આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવાના મુદ્દે યુપી અને હરિયાણાની સરકારોએ સૈદ્ધાંતિક સહમતિ આપી દીધી છે. કેન્દ્ર તરફથી મોકલવામાં આવેલા પ્રસ્તાવ પર ગુરુવારે સિંઘુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક થઈ. બેઠકમાં એ વાત પર સહમતિ બની ગઈ કે આંદોલન ખતમ કરવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube