અમ્મા દાખલ હતા ત્યારે હોસ્પિટલનાં CCTV બંધ હોવાનો ઘટસ્ફોટ
જ્યાં જયલલિતાને રખાયા હતા તે 24 બેડનાં ICUમાં જયલલિતા એકમાત્ર દર્દી હતા
ચેન્નાઇ : એપોલોનાં ચેરમેન ડો. પ્રતાપ સી. રેડ્ડીએ કહ્યું કે, તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતાની એપોલો હોસ્પિટલમાં 75 દિવસ સુધી દાખલ રહ્યા તે દરમિયાન તમામ CCTVકેમેરા બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, 24 બેડવાળા ICUમાં જયલલિતા એકમાત્ર દર્દી હતી. 5 ડિસેમ્બર, 2016નાં રોજ સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું હતું. તેમને 22 સપ્ટેમ્બર, 2016નાં રોજ હોસ્પિટલમાં દાખળ કરવામાં આવ્યા હતા. રેડ્ડીએ પત્રકારોને જણાવ્યું કે, જયલલિતાનાં મોતની તપાસ કરનારા એ.અરૂમુગમસ્વામી કમિશનની પાસે હોસ્પિટલે તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવી દીધા છે.
બીજી બાજુ જયલલિતાનાં સહયોગી શશિકલાએ તેમનાં છેલ્લા સમય અંગે માહિતી આપી છે. જયલલિતાનાં મોતનાં કારણોની તપાસ કરી રહેલા જસ્ટિસ અરૂમુગસ્વામી કમિશનની સમક્ષ રજુ કરાયેલી એફિડેવિટમાં શશિકલાએ કહ્યું છે કે જયલલિતાને હૃદયરોગનો હૂમલો આવ્યો હતો. એક અખબારનાં દાવા અનુસાર શશિકલાએ જણાવ્યું કે, જયલલિતા ટીવી પર જય વીર હનુમાન નામની સિરિયલ જોઇ રહ્યા હતા. તે અગાઉ તેમણે પોતાનાં માટે કોફી અને બ્રેડ મંગાવી હતી.
સિરિયલ પુરી થયા બાદ જયલલિતાએ ટીવી બંધ કર્યું અને ત્યાર બાદ અચાનક તેમનાં શરીરમાં ધ્રુજારી આવવા લાગી હતી. તેમણે જોરથી પોતાનું જડબુ બંધ કરી લીધું હતું. શશિકલાનાં અનુસાર ત્યાર બાદ તેમણે તેને પથારીમાં સુવડાવ્યા હતા. ત્યાર બાદ ડોક્ટર્સની ટીમ અંદર ધસી આવ્યા. જયલલિતાએ શશિકલા સામે જોયું અને પછી આંખો બંધ કરી દીધી. ત્યાર બાદ ડોકટરોએ તેમને રૂમમાંથી બહાર જવા માટે કહ્યું હતું.