દેશમાં હવે જો એક પણ આતંકી હુમલો થયો તો પાકિસ્તાનનું આવી જ બન્યું, `તમામ વિકલ્પો` ખુલ્લા!
સરકારી સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે જો દેશમાં હવે એક પણ આતંકી હુમલો થયો તો આવી સ્થિતિમાં ભારત પાસે `તમામ વિકલ્પો` ખુલ્લા છે.
નવી દિલ્હી: સરકારી સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે જો દેશમાં હવે એક પણ આતંકી હુમલો થયો તો આવી સ્થિતિમાં ભારત પાસે 'તમામ વિકલ્પો' ખુલ્લા છે. તેમણે એમ પણ કહ્યું કે બાલાકોટમાં કરાયેલા ભારતની આતંક વિરુદ્ધ કાર્યવાહીનો હેતુ પાકિસ્તાનમાં આતંકી નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહીની 'ક્ષમતા અને ઈચ્છા શક્તિ'ને પ્રદર્શિત કરવાનો હતો. સરકારી સૂત્રોએ કહ્યું કે બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પો વિરુદ્ધ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે અને એ વાત પર ભાર મૂક્યો કે ભારતનો હેતુ પાકિસ્તાનને તેની જ ધરતી પર ફળદ્રુપ થઈ રહેલા આતંકી સંગઠનો વિરુદ્ધ નક્કર પગલાં ભરવા માટે મજબુર કરવાનો છે.
જો કે ઉચ્ચ પદ પર બિરાજમાન આ સૂત્રોએ ગત અઠવાડિયે બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા જણાવવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્યારે દેશમાં તો હાલ આ મુદ્દે જોરદાર દલીલો ચાલી રહી છે. બાલાકોટમાં હુમલા પર ગત અઠવાડિયે વિદેશ મંત્રાલયે પત્રકારોને જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં જૈશ એ મોહમ્મદના આતંકીઓ, ટોચના કમાન્ડરો, તાલિમ આપનારા આકાઓ તથા તાલીમાર્થીઓનો સમૂહ ખતમ થયો છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે 300 આતંકીઓ માર્યા ગયા જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ સંખ્યા 250ની જણાવી હતી. આ હુમલામાં ઓછુ નુકસાન પહોંચાડવા અંગે આવેલા અહેવાલો પર વિપક્ષી દળોએ સ્થિતિ સ્પષ્ટ કરવાની માગણી કરી છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતે બાલાકોટમાં થયેલા હુમલાના એક દિવસ પર હવાઈ ઝડપ દરમિયાન પાકિસ્તાને જે એફ 16 વિમાનોનો ઉપયોગ કર્યો હતો તેના પૂરાવા અમેરિકાને આપ્યાં છે.
આ સાથે જ તેને વિશ્વાસ છે કે અમેરિકા પણ આ મામલે તપાસ કરી રહ્યું છે. એક ટોચના સરકારી સૂત્રના જણાવ્યાં મુજબ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નવા પાકિસ્તાન નારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આવનારા દિવસોમાં અમારી કોશિશ એ જોવાની રહેશે કે તેઓ આતંકી માળખાને વેરવિખેર કરવા માટે પાકિસ્તાનમાં શું નક્કર કાર્યવાહી કરે છે. જો આ એક નવા વિચારવાળું પાકિસ્તાન છે તો અમે તેમની પાસેથી નવી કાર્યવાહીની આશા રાખીએ છીએ. માત્ર નિવેદનો નહીં.
સૂત્રએ જણાવ્યું કે હાલ પાકિસ્તાન સરકારનો હેતુ આંતરરાષ્ટ્રીય સમુદાયને બતાવવાનું છે કે તેઓ પગલાં ભરી રહ્યાં છે. અમે તેમને એમ કરવા દઈશું નહીં. સૂત્રોએ એમ પણ કહ્યું કે ભારત સાથે સંઘર્ષ દૂર કરવા માટે મધ્યસ્થતા માટે પાકિસ્તાને લગભગ તમામ દેશોને ગુહાર લગાવી છે. પરંતુ કોઈ પણ દેશે તેના પર ધ્યાન આપ્યું નથી.
વિશ્વના અનેક નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને આકલન એ છે કે ભારતના વલણને મજબુત સમર્થન અને સહમતિ મળી છે. તેમણે કહ્યું કે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને તરત છોડી મૂકવા માટે પાકિસ્તાન પર ખુબ દબાણ કરવામાં આવ્યું હતું. એક સૂત્રએ એમ પણ કહ્યું કે કોઈ પણ દેશે આ વિષયમાં મધ્યસ્થતા કરવાની રજુઆત કરી નથી. અમે એ સ્પષ્ટ કરી દીધુ છે કે આ ભારત પાકિસ્તાનનો મુદ્દો નથી.
આ એક આતંકવાદનો મુદ્દો છે. સૂત્રોએ પાકિસ્તાનના એ દાવાના સંપૂર્ણ પણે ફગાવી દીધો છે કે પાકિસ્તાને 27 ફેબ્રુઆરીના રોજ થયેલા સંઘર્ષમાં ભારતના એક સુખોઈ 30 ફાઈટર જેટને તોડી પાડ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા પોતાના લોકોને દહેશતમાં રાખવાની રણનીતિ ભારત સમજે છે. તેની આ રણનીતિનો હેતુ એ છે કે લોકો અટપટા સવાલો ન પૂછે.
બાલાકોટમાં જૈશના ઠેકાણા પર ભારતીય વાયુસેના દ્વારા થયેલી એર સ્ટ્રાઈકથી બહુ ઓછુ નુકસાન થયું હોવાના અહેવાલો પાકિસ્તાનમાં ચાલે છે જેના પર સૂત્રોએ કહ્યું કે જો કોઈ નુકસાન નથી થયું તો પાકિસ્તાની મીડિયાને કાર્યવાહી સ્થળે કેમ લઈ જવાતા નથી. પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી દ્વારા સીએનએન અને બીબીસીને અપાયેલા ઈન્ટરવ્યુનો ઉલ્લેખ કરતા સૂત્રોએ કહ્યું કે વાતચીતથી એ વાત સામે આવી છે કે પાકિસ્તાન સરકારમાં એવા લોકો પણ છે કે જે જાણે છે કે જૈશ એ મસૂદ ક્યાં છે અને તેઓ તેના સંપર્કમાં પણ છે.
સૂત્રોએ એમ પણ જણાવ્યું કે એક ઈન્ટરવ્યુમાં પત્રકારે અઝહરને જૈશનો પ્રમુખ ગણાવ્યો અને પાકિસ્તાનના વિદેશ મંત્રીએ તેની ના પણ ના પાડી. જે યુએન દ્વારા વૈશ્વિક આતંકીઓની સૂચિમાં નાખવાની કોશિશને જોતા મહત્વપૂર્ણ ગણાય. આ અગાઉ પાકિસ્તાને કહ્યું હતું કે અઝહર જૈશનો પ્રમુખ નથી અને તે એક ધર્મોપદેશક છે.
સૂત્રોએ સોમવારે કહ્યું હતું કે બાલાકોટ હુમલા બાદ પશ્ચિમ સેક્ટરના તમામ એરબેઝને વાયુસેનાએ હાઈ એલર્ટ પર રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતના હવાઈ હુમલાને સરકારે અસૈન્ય કાર્યવાહી ગણાવી હતી. પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા બાદ સરહદ પાર આ કાર્યવાહી કરવામાં આવી હતી.
કાશ્મીર મુદ્દે ઈસ્લામી દેશોના સંગઠન (ઓઆઈસી)એ એક પ્રસ્તાવ પસાર કર્યો જેના પર સૂત્રોએ જણાવ્યું કે ભારત વિરોધી પ્રસ્તાવ પાકિસ્તાને રજુ કર્યો અને આ સંગઠનની એવી પરંપરા રહી છે કે તમામ પ્રસ્તાવો પર ચર્ચા વગર સ્વીકાર કરાય છે. ગત અઠવાડિયે અબુ ધાબીમાં તેના પૂર્ણ સત્રમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સામેલ થયા હતાં.