લોકસભા 2019: પશ્ચિમબંગાળ રાહુલ માટે માથાનો દુખાવો, બેઠક નિષ્ફળ
બેઠક બાદ વાત સામે આવી કે આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ગઠબંધન મુદ્દે પાર્ટી બે વિભાગમાં વહેંચાયેલી જોવા મળી રહી છે
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પશ્ચિમ બંગાળનાં મુખ્ય નેતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન નેતાઓએ આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન અને સંગઠનને મજબુત કરવા માટે પોતાના વિચાર રજુ કર્યા હતા. સુત્રોનું કહેવું છે કે કોંગ્રેસના વોરરૂમ કહેતા 15 રકાબગંજ રોડ પર રાહુલ ગાંધીની સાથે મુલાકાત દરમિયાન આ નેતાઓએ રાજ્યમાં પાર્ટીને મજબુત કરવા અંગે પોતાનાં વિચારો રજુ કર્યા અને ગઠબંધન મુદ્દે પણ પોતાના મંતવ્ય અંગે તેમને જણાવ્યું હતું.
બેઠક બાદ આ માહિતી સામે આવી છે કે આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યમા ગઠબંધન મુદ્દે પાર્ટી બે જુથમાં વહેંચાઇ ચુકી છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસનું એક મોટુ જુથ તૃણમુલ કોંગ્રેસની સાથે ગઠબંધન પક્ષમાં છે તો એક જુથ સીપીએમની સાથે જવાનાં પક્ષમાં છે. પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ મીડિયાને કહ્યું કે, રાહુલ સાથે અમારી મુલાકાત થઇ છે. સૌ એ પોતાના મંતવ્ય રજુ કર્યા હતા. ગઠબંધન મુદ્દે હાલ બે મંતવ્યો અંગેના સમાચાર અંગે તેમણે કોઇ પણ ટીપ્પણીનો ઇન્કાર કર્યો હતો.
અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય સચિવ અને પશ્ચિમ બંગાળનાં કોંગ્રેસ ધારાસભ્ય મોઇનુલ હકે તૃણમુલ કોંગ્રેસ સાથે ગઠબંધનની સ્પષ્ટ અપીલ કરી હતી. હકે કહ્યું કે, રાહુલ ગાંધી સાથે મુલાકાતનો એક જ મુદ્દો હતો કે લોકસભા ચૂંટણીમાં કોની સાથે જવાથી ફાયદો થશે. મે મારૂ મંતવ્ય વ્યક્ત કર્યું. મે સ્પષ્ટ કહ્યું કે, 2016માં પરિસ્થિતી અલગ હતી જ્યારે અમે સીપીએમની સાથે ચૂંટણી લડવી પડી. મુલ્યાંકન બાદ જાણવા મળ્યું કે નિર્ણય ખોટો હતો.