Punjab માં સરકારના `કેપ્ટન` બન્યા રહેશે અમરિંદર, નવજોત સિંહ સિદ્ધૂ બનશે પ્રદેશ અધ્યક્ષ
છેલ્લા કેટલાક સમયથી પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદનો હવે અંત આવી શકે છે. પાર્ટી હાઇકમાન્ડે કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધૂને મનાવવાની રણનીતિ ઘડી લીધી છે.
ચંડીગઢઃ પંજાબ કોંગ્રેસમાં હવે વિવાદ શાંત પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે સંકેત આપ્યો કે નવજોત સિંહ સિદ્ધૂ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ હોઈ શકે છે. રાવતે જણાવ્યું કે પંજાબ કોંગ્રેસને લઈને ફોર્મૂલા નક્કી કરી લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધૂ મળીને પાર્ટી માટે કામ કરશે. જાણવા મળી રહ્યું છે કે નવજોત સિંહ સિદ્ધૂ અધ્યક્ષ તથા કેપ્ટન અમરિંદર સિંહ કેમ્પેન કમિટીના ચેરમેન હશે, જ્યારે વિજય ઇંદર સિંગલા તથા સંતોખ ચૌધરી કાર્યકારી અધ્યક્ષ હશે. પ્રતાપ સિંહ બાજવા મેનિફેસ્ટો કમિટીના ચેરમેન હશે. આ નામોની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે.
મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોંગ્રેસ હાઇકમાને નવજોત સિંહ સિદ્ધૂને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કરી લીધો છે. ગમે ત્યારે તેની જાહેરાત થઈ શકે છે.
આ પણ વાંચોઃ PM મોદીએ CM યોગીની પીઠ થપથપાવી, કહ્યું- UPમાં હવે કાયદાનું રાજ, વિકાસવાદથી ચાલે છે સરકાર
હરીશ રાવતે કહ્યુ કે, પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધૂ મળીને કામ કરશે. કોંગ્રેસ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election 2022) મુખ્યમંત્રી અમરિંદર સિંહના નેતૃત્વમાં લડશે. કેપ્ટન પંજાબમાં ચાડા ચાર વર્ષથી અમારા મુખ્યમંત્રી છે અને અમે ચૂંટણીમાં તેમના નેતૃત્વમાં ઉતરીશું.
હરીશ રાવતે કહ્યુ કે, પંજાબ કોંગ્રેસને લઈને ફોર્મૂલા નક્કી કરી લેવામાં આવ્યો છે. જો નવજોત સિંહ સિદ્ધૂ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનશે તો અમે બે કાર્યકારી અધ્યક્ષોની રણનીતિ તૈયાર કરી છે. પંજાબ પાર્ટીમાં બધો વિવાદ સમાપ્ત થઈ જશે અને બધા મળીને 2022ની ચૂંટણી લડશે.
આ પણ વાંચોઃ PM મોદીએ રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન, આ રીતે કર્યા પોતાના મિત્ર શિંજો આબેને યાદ
મહત્વનું છે કે પંજાબ કોંગ્રેસમાં વિવાદ બાદ હાઇકમાન્ડે પાર્ટીમાં વિવાદ સમાપ્ત કરવા માટે ફોર્મૂલા તૈયાર કરી છે. તેને લઈને કેપ્ટન અમરિંદર સિંહ, નવજોત સિંહ સિદ્ધૂ, પ્રતાપ સિંહ બાજવા સહિત રાજ્યના સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ સાથે કોંગ્રેસની ત્રણ સભ્યોની સમિતિએ ચર્ચા કરી હતી. ત્યારબાદ સિદ્ધૂ રાહુલ અને પ્રિયંકા ગાંધીને પણ મળ્યા હતા. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સોનિયા ગાંધી સાથે બેઠક કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube