વિવાદોમાં ઘેરાયેલી CBI પહોંચી શ્રીશ્રી રવિશંકરના શરણમાં, 150 અધિકારી લેશે ટ્રેનિંગ
સીબીઆઈના અધિકારીઓ માટે શનિવારથી ત્રણ દિવસ માટે `આર્ટ ઓફ લિવિંગ`ના વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીબીઆઈના ઈન્સપેક્ટરથી માંડીને ઈન્ચાર્જ ડિરેક્ટર સુધીના અધિકારીઓ સામેલ થવાના છે
નવી દિલ્હીઃ સીબીઆઈના નિર્દેશક આલોક વર્મા અને વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના વચ્ચે થયેલા વિવાદ બાદ સીબીઆઈની કાર્યપદ્ધતિ અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ વિવાદની અસર સીબીઆઈના અધિકારીઓ પર પણ પડી છે. આથી આ વિભાગે પોતાના 150 અધિકારીઓને 'આર્ટ ઓફ લિવિંગ'ની ટ્રેનિંગમાં મોકલવાનો નિર્ણય લીધો છે.
સીબીઆઈના 150 અધિકારીઓ માટે શનિવારથી ત્રણ દિવસ માટે 'આર્ટ ઓફ લિવિંગ'ના વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીબીઆઈના ઈન્સપેક્ટરથી માંડીને ઈન્ચાર્જ ડિરેક્ટર સુધીના અધિકારીઓ સામેલ થવાના છે. તેનો હેતુ અધિકારીઓમાં ફરીથી પોઝિટિવ એનર્જીનો સંચાર કરવાનો છે.
સીબીઆઈના નિર્દેશક આલોક વર્મા અને વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના દ્વારા એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ મોટો વિવાદ થયો હતો. સમગ્ર વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે અંતિમ સુનાવણીમાં આલોક વર્મા અને રાકેશ અસ્થાના સામેની તપાસ બે સપ્તાહમાં પુરી કરીને તેનો રિપોર્ટ સુપ્રીમમાં રજૂ કરવા માટે CVCને આદેશ આપ્યો હતો.
અત્યારે તો કેન્દ્ર સરકાર દ્વારા આ બંને અધિકારીઓને રજા પર મોકલી દેવાયા છે. સુપ્રીમ કોર્ટમાં હવે 12 નવેમ્બરના રોજ બીજી સુનાવણી થવાની છે.
(આલોક વર્મા અને રાકેશ અસ્થાના)
સીવીસી દ્વારા બંને અધિકારીઓ સામે થયેલા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે, તેના સંદર્ભમાં બંને અધિકારી શુક્રવારે સળંગ બીજા દિવસે સીવીસી કમિશનર કે.વી. ચૌધરી સમક્ષ હાજર રહ્યા હતા.
રાકેશ અસ્થાના ગુરૂવારે કેન્દ્રીય વિજિલન્સ કમિશનરને મળ્યા હતા અને તેમણે આલોક વર્મા પર લગાવવામાં આવેલા આરોપોના સમર્થનમાં કથિત દસ્તાવેજોનાં પુરાવા રજૂ કર્યા હતા.