શું છે આ CAA? આ કાયદાથી કોને થશે ફાયદો? જાણો અમિત શાહે આ અંગે શું આપ્યો જવાબ
Amit Shah on CAA: નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયો ત્યારથી દેશમાં હંગામો મચી ગયો છે. વિપક્ષનું કહેવું છે કે ભાજપે રાજકીય લાભ માટે CAA લાગુ કર્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નાગરિકતા સંશોધન કાયદા પર ખુલીને વાત કરી હતી. અમિત શાહે કહ્યું કે CAAના સમય પર સવાલ ઉઠાવવો ખોટું છે. જાણો આખરે આ CAA શું છે, વિપક્ષ કેમ કરી રહ્યો છે આ કાયદાનો વિરોધ...
Citizenship Amendment Act: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિપક્ષ પર પ્રહાર કરતા કહી દીધું છેકે, દરેક રાજ્યોએ સીએએ નો કાયદો ફરજિયાત લાગૂ કરવો જ પડશે. કોઈપણ રાજ્ય તેમાંથી બાકાત રહી શકશે નહીં. તેમ સીએએ એટલેકે, નાગરિકતા સંશોધન એક્ટ ક્યારેય નાબૂદ નહીં થઈ શકે. બીજી તરફ વિપક્ષ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છેકે, લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે સીએએ નો કાયદો લાગૂ કર્યો છે. ભાજપ અને મોદી સરકાર સીએએ નો કાયદો લાગૂ કરીને તેનો રાજકીય લાભ ખાટવા માંગે છે. આ સવાલના જવાબમાં અમિત શાહે જણાવ્યું છેકે, વિપક્ષ તૃષ્ટીકરણની રાજનીતિ કરે છે. ભાજપ લોકોના હિત માટે કામ કરે છે. વિપક્ષ વાયદા કરીને ભૂલી જાય છે, જ્યારે મોદીની વાત પથ્થરની લકીર છે.
દરેક રાજ્યોએ લાગૂ કરવો પડશે CAA:
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છેકે, 'વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યો છે...CAA ક્યારેય પાછો નહીં ખેંચાય',. દરેક રાજ્યોએ આ કાયદો ફરજિયાત લાગૂ કરવો જ પડશે. જેમને પણ આ અંગે કોઈ સવાલ હોય એ મારી સાથે વાત કરી શકે છે. એ સાબિત કરી બતાવે કે આ કાયદાથી કોઈની નાગરિકતા જતી રહે છે. વિપક્ષ માત્ર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે.
CAA શું છે?
CAA નું પુરું નામ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ 2019 છે, તેને સાદી ભાષામાં નાગરિકતા સુધારો અધિનિયમ 2019 કહેવામાં આવે છે. સીએએ એક અધિનિયમ છે, જે 11 ડિસેમ્બર, 2019ના રોજ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. સીએએ 2019માં 1955ના નાગરિકતા અધિનિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
CAA હાલ કેમ લાગૂ કરવામાં આવ્યો?
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, '2019માં જ સંસદમાં CAA પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ કોવિડને કારણે તેના અમલમાં વિલંબ થયો હતો. વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરીને પોતાની વોટબેંકને મજબૂત કરવા માંગે છે. તેમનો પર્દાફાશ થયો છે અને દેશના લોકો જાણે છે કે CAA આ દેશનો કાયદો છે. મેં છેલ્લા 4 વર્ષમાં 41 વખત કહ્યું છે કે ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. નોંધનિય છે કે, 27 ડિસેમ્બર 2023ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સીએએ લાગુ કરતા કોઇ રોકી શકશે નહીં, કારણ તે દેશનો કાયદો છે અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો છે.
CAA સામે વિરોધ કેમ?
સીએએ લાગુ કરવા વિશે દિલ્હી, પૂર્વોત્તર રાજ્ય, અસમ સહિત દેશના ઘણા રાજ્યોમાં વિરોધ થઇ રહ્યો છે. વિરોધકર્તાઓએ દલીલ કરી છે કે, સીએએ થી રાજકીય અધિકારો, સંસ્કૃતિ અને જમીન અધિકારને નુકસાન થશે અને બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં લોકો ભારત આવશે. નાગરિકતા કાયદામાં નવું સંશોધન મુસલમાન સાથે ભેદભાવ કરે છે અને દેશના સંવિધાનમાં આપેલા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. ઉપરાંત તિબ્બત, શ્રીલંકા અને મ્યાનમાર સહિત અન્ય દેશોમાં હેરાનગતિ સહન કરનાર ધાર્મિક અલ્પસંખ્યકોને નજર અંદાજ કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે.
આ 3 દેશોના લોકોને ભારતીય નાગરિકતા મળશે-
સીએએ લાગુ કરવાથી ભારતના પડોશી દેશોના બિન મુસ્લિમ લોકોને ભારતમાં વસવાટ કરવાની અને ભારતીય નાગરિકતા મેળવવાની સુવિધા મળશે. માહિતી મુજબ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિંદુ, શીખ,બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને ભારતીય નાગરિકતા મળશે. ઉપરોક્ત દેશોના ધાર્મિક અલ્પસંખ્યકોને ભારતીય નાગરિકતાનો લાભ મળશે,જે ડિસેમ્બર 2014ની પહેલા ધાર્મિક ઉત્પીડન કે ઉત્પીડનને કારણે પડોશી મુસ્લિમ બહુમતીવાળા દેશે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભાગ ભારત આવ્યા છે.