મણિપુરમાં બેકાબૂ સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સરકારમાંથી સમર્થન પરત લીધું
મણિપુર ફરી હિંસાની આગમાં સળગી રહ્યું છે. રાજ્યમાં ખરાબ થઈ રહેલી સ્થિતિ વચ્ચે એનપીપીએ ભાજપ સરકારમાંથી સમર્થન પરત લઈ લીધું છે. બીજીતરફ મણિપુરની વર્તમાન સ્થિતિ પર અમિત શાહે બેઠક યોજી છે.
Amit Shah On Manipur: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવાર (17 નવેમ્બર 2024) ના મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી અને સર્વોચ્ચ સુરક્ષા અધિકારીઓને રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરવાના નિર્દેશ આપ્યા છે. શાહે મહારાષ્ટ્રમાં પોતાની ચૂંટણી રેલીઓ રદ્દ કરી પરત ફર્યા બાદ આ બેઠક યોજી હતી. સૂત્રો પ્રમાણે ગૃહમંત્રીએ સર્વોચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે મણિપુરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી અને તેમને શાંતિ સ્થાપિત કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરવાના નિર્દેશ આપ્યા છે.
આ પગલા એવા સમયે ભરવામાં આવ્યા છે, જ્યારે મણિપુરમાં મહિલાઓ અને બાળકોના મૃતદેહો મળ્યા બાદ વિરોધ પ્રદર્શન અને હિંસાને કારણે સ્થિતિ અસ્થિર છે. મણિપુરમાં પાછલા વર્ષે મે મહિનાથી જાતીસ સંઘર્ષ ચાલી રહ્યો છે. આ વચ્ચે મણિપુરમાં એનપીપીએ ભાજપ સરકારમાંથી સમર્થન પરત લઈ લીધું છે.
ઈન્ટરનેટ સેવા બંધ કરવા નિર્દેશ
મણિપુરના મુખ્ય સચિવ વિનીત જોશીએ હાલમાં પ્રભાવિત જિલ્લા ઇમ્ફાલ, ઇમ્ફાલ ઇસ્ટ, બિષ્ણુપુર, થોબલ, કાકચિંગ, કાંગપોકપી અને ચુરાચંદપુરના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓને બે દિવસ માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ BJPનો નવો પ્રયોગ...!!! પાર્ટીમાં પહેલીવાર બનાવ્યા Whatsapp પ્રમુખ, આ રાજ્યથી શરૂઆત!
મુખ્યમંત્રી એન બીરેન સિંહના આવાસ પર હુમલાનો થયો પ્રયાસ
શનિવારે સાંજે ટોળાએ મુખ્યમંત્રી એન બીરેન સિંહના ખાનગી આવાસ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો, જેનાથી સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બીજીતફ રોષે ભરાયેલા ટોળાએ નિંગથૌખોંગમાં રાજ્યના પીડબ્લ્યૂડી મંત્રી ગોવિંદ દાસ કોંથૌજમ, લૈંગમીડોંગ બજારમાં હિયાંગલામના ભાજપ ધારાસભ્ય વાઈ રાધેશ્યામ, થૌબલ જિલ્લામાં વાંગજિંગ ટેંથાના ભાજપ ધારાસભ્ય પાઓનમ બ્રોજેન અને ઇમ્ફાલ પૂર્વમાં ખુંડ્રાકપમના કોંગ્રેસના ધારાસભ્ય થોકચોમ લોકેશ્વરના ઘરોમાં આગ લગાવી દીધી હતી.
એનપીપીએ ભાજપ પાસેથી સમર્થન પરત ખેંચ્યું
એનપીપી (નેશનલ પીપુલ્સ પાર્ટી) એ રાજ્યમાં ખરાબ થઈ રહેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને મણિપુરમાં ભાજપના નેતૃત્વવાળી સરકારમાંથી સમર્થન પરત લઈ લીધું છે. મણિપુરની 60 વિધાનસભા સીટો પર ભાજપની પાસે 32 ધારાસભ્યોનો પૂર્ણ બહુમત છે. એનપીપી દ્વારા સમર્થન પરત લેવાની અસર સરકાર પર પડશે નહીં.