જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ, આતંકવાદીઓ સાથે નરમાશ નહી: શાહ
જવાહર લાલ નેહરૂનાં કારણે આજે જમ્મુ કાશ્મીરની સમસ્યા પેદા થઇ છે, કોંગ્રેસ કયા મોઢે મોદી સરકાર પર સવાલો ઉઠાવે છે
નવી દિલ્હી : ભાજપ અધ્યક્ષ અમિત શાહે રવિવારે જમ્મુમાં પાર્ટીના વિજય સંકલ્પ સમ્મેલનને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે પ્રદેશમાં ફેલાયેલા આતંકવાદ અને જમ્મુ કાશ્મીરને અલગ કરવાની વાત કરનારા લોકો પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આ ભારતથી કોઇ અલગ કરી શકે નહી. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિને અપનાવી છે. આતંકવાદીઓ પ્રત્યે કોઇ ઢીલ વર્તવામાં નહી આવે.
અમિત શાહે કહ્યું કે, જમ્મુ અને લદ્દાખ પહેલા ભેદભાવનો સામનો કરવો પડ્યો. ભાજપ સરકારે આ વિસ્તારોનાં વિકાસનાં દરવાજા ખોલ્યા છે. કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી આ તમામ પરિવારવાદી પાર્ટીઓ છે. તેમણે જમ્મુ કાશ્મીરનાં વિકાસનાં બદલે પોતાનાં વિકાસની જ વાત કરી છે. તેમને જમ્મુ કાશ્મીરમાં રહેલી સમસ્યાઓ સતત સળગ્યા કરે તેમાં જ રસ છે. માટે વિકાસની સરકારને તમે પસંદ કરો તે જરૂરી છે.
શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, રાહુલ ગાંધી કાશ્મીરની સ્થિતી પર સવાલ ઉઠાવે છે. આ અંગે હું તેમને કહેવા માંગીશ કે જો આજે જમ્મુ અને કાશ્મીરની સ્થિતી પર સવાલ ઉઠી રહ્યા હોય તો તે માત્ર તમારા પરદાદા જવાહરલાલ નેહરૂનાં કારણે જ થયું છે. જ્યારે આપણી સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને જીતવા જઇ રહી હતી ત્યારે તેમને કોણે અટકાવી દીધા હતા. તે જવાહરલાલ નેહરૂ હતા.
શાહે કહ્યું કે, સોનિયા -મનમોહનની સરકારનાં સમયે 13માં નાણા પંચના અંતર્ગત માત્ર 98 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ મોદી સરકાર હેઠળ 14માં નાણા પંચ અંતર્ગત 1.98 લાખ હજાર કરોડ રૂપિયાની રકમ જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે ફાળવી દેવામાં આવી છે.