નવી દિલ્હી: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે મંગળવારે કહ્યું કે સમગ્ર કોંગ્રેસ દરેક મોરચે રાહુલ ગાંધી સાથે છે. તેમણે આશા વ્યક્ત કરી કે 2019ની લોકસભા ચૂંટણી બાદ તેઓ દેશના વડાપ્રધાન બનશે. નોંધનીય છે કે અમરિન્દર સિંહનું આ નિવેદન એવા સમયમાં આવ્યું જ્યારે તેમણે થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે 1984ના સિખ વિરોધી રમખાણો દરમિયાન રાહુલ ગાંધી શાળામાં ભણતા હતાં અને તેમને તેની સાથે કોઈ લેવાદેવા નહતાં. સિંહે એકવાર ફરીથી દાવો કર્યો કે કોંગ્રેસનો 1984ના રમખાણોમાં કોઈ હાથ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે "1984માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલી હિંસામાં કોંગ્રેસ સામેલ નહતી. કોંગ્રેસના કેટલાક લોકો વ્યક્તિગત સ્તર પર હિંસામાં સામેલ થયા હતાં. હું તેમના નામ જણાવી શકું છું. અર્જુન દાસ, ધર્મદાસ શાસ્ત્રી, એચ કે એલ ભગત. તેનો અર્થ એ નથી કે સમગ્ર કોંગ્રેસ તેમાં સામેલ છે."



આ દરમિયાન તેમણે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ પર 2015 દરમિયાન કોટકાપુર અને બેહલાલમાં થયેલા પોલીસ ફાયરિંગને લઈને નિશાન સાધ્યું. આ ફાયરિંગમાં બે લોકોના મોત થયા હતાં. તેમણે બાદલના એ દાવાને પણ ફગાવ્યો જેમાં તેમણે કહ્યું હતું કે પોલીસ ફાયરિંગનો આદેશ અપાયો નહતો. તેમણે કહ્યું કે "બાદલને પ્રદર્શનકારીઓ પર થનારા ફાયરિંગની જાણ હતી."


અમરિન્દરે કહ્યું કે એવું શક્ય નથી કે બાદલને પોલીસ ફાયરિંગની જાણકારી ન હોય. એસઆઈટી તપાસ કોર્ટમાં રજુ કરાશે અને સત્ય સામે આવશે. તેમણે કહ્યું કે આ મામલાને સીબીઆઈ પાસેથી પાછો લઈને એસઆઈટીને આપવા અંગેનો નિર્ણય રાજ્ય વિધાનસભા દ્વારા લેવાયો છે. જેથી કરીને કેન્દ્ર તપાસને પ્રભાવિત કરી શકે નહીં પરંતુ આ પગલાંથી અકાલી દળ નારાજ છે.