અમૃતસરમાં નિરંકારી ભવન પર એટેકને DGPએ આતંકવાદી હૂમલો ગણાવ્યો
આતંકવાદી જાકીર મુસા અને તેના સાથીઓ કોઇ મોટો હૂમલો કરવાની ફિરાકમાં હોવાને પગલે રાજધાનીમાં પણ હાઇએલર્ટ
નવી દિલ્હી : આતંકવાદી જાકીર મુસા અને તેનાં સાથીઓને કોઇ મોટી દુર્ઘટનાની આશંકાને જોતા હાઇએલર્ટ પર અમૃતસરના ગામમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં 3 લોકોનાં મોત નિપજ્યા છે. હૂમલામાં ઘાયલ 15થી 20 લોકો પૈકી ઘણાની હાલત ગંભીર છે. સાંજ સુધીમાં પંજાબના ડીજીપી સુરેશ અરોરાએ કહ્યું કે, અમને આ આતંકવાદી હૂમલો લાગી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ હૂમલાની દરેક એંગલથી તપાસ કરાઇ રહી છે.
બીજી તરફ પંજાબ પોલીસે બે શંકાસ્પદની ધરપકડ કરી છે તેમની પાસેથી એક પિસ્તોલ અને જીવતા કારતુસ પણ જપ્ત કર્યા છે. તેમને ભટીંડાના સંગડ મંડી વિસ્તારમાં ચેકિંદ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ પોલીસ બંન્ને શંકાસ્પદોની તપાસ કરી રહી છે. પોલીસ આ મુદ્દે તપાસ અન્ય હૂમલાની એંગલથી પણ કરી રહી છે.
આ વિસ્ફોટ બાદ દેશની રાજધાની દિલ્હી અને નોએડામાં પણ એલર્ટ જાહેર કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરક્ષા એજન્સી આતંકવાદીઓ દિલ્હી તરફ આગળ વધી રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરી ચુક્યા છે. અનેક ઘાયલોની સારવાર માટે અમૃતસર મોકલી દેવાયા છે. નજરે જોનારા અનુસાર બાઇક સવાર બે યુવકોએ અમૃતસરના રાજસાંસી ગામમાં નિરંકારી ભવન પર ગ્રેનેડ ફેંક્યો. સત્સંગ ચાલુ હોવાનાં કારણે તેમાં આશરે 250થી વધારે લોકો હાજર હતા. રાજસાંસી ગામ સીમાની નજીક આવેલુ ગામ છે. વિસ્ફોટ બાદ રાજધાની દિલ્હી અને નોએડાની સુરક્ષા વધારી દેવાઇ છે.
હૂમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મુખ્યમંત્રી અમરિંદર સિંહ સાથે વાત કરી. તેમણે હૂમલાના દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે કહ્યું છે. જ્યારે મુખ્યમંત્રીએ રાજ્યનાં લોકોને શાંતિ જાળવી રાખવા માટે જણાવ્યું છે.