અમૃતસર દુર્ઘટના: લોકોને કચડી નાખીને ટ્રેન જ્યારે જલંધર પહોંચી, ત્યારે આવી હતી હાલત
શુક્રવારે આખો દેશ જ્યારે દશેરાના તહેવારની ઉજવણીમાં વ્યક્ત હતો ત્યારે પંજાબના અમૃતસરમાં ભીષણ અકસ્માત સર્જાયો જેણે 60થી વધુ લોકોના ભોગ લીધા.
નવી દિલ્હી: શુક્રવારે આખો દેશ જ્યારે દશેરાના તહેવારની ઉજવણીમાં વ્યક્ત હતો ત્યારે પંજાબના અમૃતસરમાં ભીષણ અકસ્માત સર્જાયો જેણે 60થી વધુ લોકોના ભોગ લીધા. અમૃતસરમાં રેલવે ટ્રેક પાસે રાવણ દહન થઈ રહ્યું હતું ત્યારે જ ટ્રેન પસાર થઈ અને પાટાની આજુબાજુ ઊભેલા લોકો તેની ચપેટમાં આવી ગયાં. દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે આ અકસ્માત થયો ત્યારે લોકો પોતાના મોબાઈલ દ્વારા કાર્યક્રમનો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતાં.
આ અકસ્માત બાદ ટ્રેન જ્યારે જલંધર પહોંચી તો તેની હાલત જોઈને કોઈ પણ થથરી જાય. ટ્રેનના એન્જિન અને ગાડીના અનેક ભાગ પર લોહીના ધબ્બા હતાં. ગાડીના પૈડાઓ પર લોકોના કપડાં ચોંટેલા હતાં. અમૃતસરની પાસે જે ઘટના ઘટી તેમાં 60થી વધુ લોકોના મોત થયા અને 72 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે જે જોતા મૃત્યુઆંક વધવાનો ડર છે.
કેવી રીતે થયો અકસ્માત
રાવણ દહન બાદ ભીડમાાંથી કેટલાક લોકો પાટાઓ તરફ આગળ વધવા લાગ્યાં. જ્યાં પહેલેથી મોટી સંખ્યામાં લોકો ઊભા રહીને રાવણ દહન જોઈ રહ્યાં હતાં. તે સમયે બે અલગ અલગ દિશામાંથી ટ્રેનો એક સાથે આવી. લોકોને બચવા માટે ખુબ ઓછો સમય મળ્યો. આ ઘટના બાદ ચીસાચીસ મચી ગઈ અને અફરાતફરી સર્જાઈ ગઈ હતી. મૃતદેહો ક્ષત વિક્ષત હાલતમાં આમ તેમ પડ્યાં હતાં.
રેલવેએ કહ્યું આ તો અતિક્રમણનો મામલો, મંજૂરી લેવાઈ નહતી
દશેરાના અવસરે અમૃતસરમાં થયેલી મોટી ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે. આ અંગે રેલવે ઉપર પણ અનેક આરોપો મૂકાઈ રહ્યાં છે. જો કે રેલવેનું કહેવું છે કે પૂતળા દહનને જોવા માટે આવેલા લોકોનું ત્યાં પાટા ઉપર ભેગા થવું એ "સ્પષ્ટ રીતે અતિક્રમણનો મામલો" હતો અને આ કાર્યક્રમ માટે રેલવે પાસે કોઈ મંજૂરી લેવામાં આવી નહતીં.
અમૃતસર પ્રશાસન પર આ દુર્ઘટનાની જવાબદારી નાખતા અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે સ્થાનિક અધિકારીઓને દશેરાના કાર્યક્રમની જાણકારી હતી અને તેમાં એક વરિષ્ઠ મંત્રીના પત્ની પણ સામેલ હતાં. રેલવે અધિકારીઓએ કહ્યું કે "અમને આ અંગે કોઈ જાણકારી અપાઈ નહતી અને અમારા તરફથી કાર્યક્રમને કોઈ મંજૂરી અપાઈ નહતી. આ સ્પષ્ટ રીતે અતિક્રમણનો મામલો છે અને સ્થાનિક પ્રશાસને તેની જવાબદારી લેવી જોઈએ."
કપડાં અને તસવીરોથી કરાઈ રહી છે ઓળખ
અમૃતસર ટ્રેન અકસ્માતથી આખો દેશ આઘાતમાં છે. મૃતકોની સંખ્યા 61 થઈ ગઈ છે. લોકો પોતાના સગા સંબંધી મિત્રોની શોધમાં રેલવે ટ્રેક પર પહોંચી રહ્યાં છે. કોઈ કપડાં લઈને તો કોઈ તસવીર લઈને પરિવારજનોની શોધ કરી રહ્યાં છે. કોઈના જૂતા મળે છે તો કોઈના કપડાં મળે છે.
પંજાબમાં એક દિવસનો રાજકીય શોક
પંજાબ સરકારે આ ભયાનક રેલ દુર્ઘટનાના પગલે એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે પોતાનો ઈઝરાયેલ પ્રવાસ રદ કર્યો. સરકારે મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સીએમએ ટ્વિટ કરીને કહ્યું કે 20 ઓક્ટોબરે શોક રહેશે. તમામ ઓફિસો અને શિક્ષણ સંસ્થાનો બંધ રહેશે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યાં છે. તેમણે એમ પણ કહ્યું કે મને ખબર નથી કે રેલવે સ્ટેશનની બાજુમાં રાવણ દહન કેમ કરાયું?
FIR નોંધાઈ
આ દુર્ઘટના બાદ જીઆરપીના સ્ટેશન અમૃતસરમાં એફઆઈઆર નોંધાઈ છે. જો કે આ એફઆઈઆરમાં કોઈને પણ આરોપી બનાવવામાં આવ્યાં નથી. એફઆઈઆરમાં આઈપીએસની કલમ 304, 304એ, 337 અને 338 હેઠળ કેસ દાખલ કરાયો છે. એફઆઈઆરનો નંબર 169 છે. આ એફઆઈઆર ઘટનાસ્થળની નજીક બનેલી પોલીસ ચોકી ગોલ્ડન એવન્યુના એએસઆઈ સતનામ સિંહના નિવેદનો પર નોંધાઈ છે.