અમૃતસર દુર્ઘટના માટે આખરે જવાબદાર કોણ? કેમ ભૂગર્ભમાં ઉતરી ગયા આયોજક કાઉન્સિલર
રેલવેના પાટા પર ઊભેલા 59થી વધુ લોકોના ટ્રેનની ચપેટમાં આવી જવાથી મોત થયાની દુર્ઘટનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શોરની લહેર વ્યાપી ગઈ છે.
અમૃતસર: રેલવેના પાટા પર ઊભેલા 59થી વધુ લોકોના ટ્રેનની ચપેટમાં આવી જવાથી મોત થયાની દુર્ઘટનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શોરની લહેર વ્યાપી ગઈ છે. અકસ્માતના બે દિવસ બાદ પણ આ મામલે કોઈને આરોપી બનાવવામાં આવ્યાં નથી. દુનિયાભરના લોકો પૂછી રહ્યાં છે કે આખરે આ અકસ્માત માટે જવાબદાર કોણ? આ બધા વચ્ચે દશેરા સમારોહના મુખ્ય આયોજક નગર નિગમના કાઉન્સિલર વિજય મદાન અને સૌરભ મદાન મિટ્ઠુ પોતાના પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
પોલીસના જણાવ્યાં મુજબ આ અકસ્માતથી ગુસ્સે ભરાયેલા કેટલાક લોકોએ શનિવારે તેમના ઘર પર હુમલો કર્યો અને કાચ તોડ્યા તથા પથ્થરમારો કર્યો. ત્યારબાદ મદાન પરિવારના સભ્યો કોઈ અજાણ્યા સ્થળે જતા રહ્યાં છે. તેમણે પોતાના મોબાઈલ ફોન પણ બંધ કરી લીધા. જો કે તેમના ઘર બહાર પોલીસકર્મીઓને તહેનાત કરાયા છે. વિજય મદાન અમૃતસર પૂર્વ વિધાનસભા ક્ષેત્રના વોર્ડ સંખ્યા 29ના હાલના કાઉન્સિલર છે. મદાન પરિવારના સભ્ય આ દશેરાના કાર્યક્રમના મુખ્ય આયોજક હતાં, જ્યાં ભીષણ ટ્રેન અકસ્માત થયો.
અકસ્માતને લઈને આરોપ પ્રત્યારોપ વચ્ચે પોલીસે સ્વીકાર્યું કે તેમણે આયોજકોને એનઓસી આપ્યું હતું પરંતુ કહ્યું કે કાર્યક્રમ માટે નગર નિગમની પણ મંજૂરી જરૂરી હતી. આ બધા વચ્ચે એક પત્રથી એવા સંકેત મળ્યા છે કે આયોજકો- સ્થાનિક કોંગ્રેસ કાઉન્સિલરના પરિવારએ કાર્યક્રમ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થાની માગણી કરી હતી. આ કાર્યક્રમમાં પંજાબના મંત્રી નવજોત સિદ્ધુ અને તેમના પૂર્વ વિધાયક પત્ની નવજોત કૌર સિદ્ધુના આવવાની આશા હતી.
પ્રત્યક્ષદર્શીઓએ જો કે ફરિયાદ કરી હતી કે જોડા ફાટક પાસે પાટાઓને અડીને આવેલા મેદાનમાં લોકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા નહતી કરાઈ. સુજીત સિંહે પૂછ્યું કે સરકારે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કેમ નહતી કરી. રેલવેના પાટા નજીક આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવાની મંજૂરી કેમ આપવામાં આવી?
એક વીડિયો સામે આવ્યાં બાદ નવજોત કૌર સિદ્ધુ પરના આરોપોને બળ મળ્યું છે. તેઓ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ બન્યા હતાં. કથિત રીતે મંચ પર કોઈએ તેમને જણાવ્યું કે લોકો રેલના પાટા પર ઊભા છે. અકાલી દળ, ભાજપ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી દળોએ કાર્યક્રમની મંજૂરી આપવવાવાળા વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી. અકાલી દળે પંજાબની કોંગ્રેસ સરકારને સિદ્ધુને મંત્રીપદેથી હાંકી કાઢવાની માગણી કરી.
રેલવેની જવાબદારીમાંથી છટકવૃત્તિ
આ બાજુ રેલવેના અધિકારીઓએ કહ્યું કે કાર્યક્રમ માટે તેમની પાસેથી કોઈ મંજૂરી મંગાઈ નહતી. રેલવેએ આ મામલે કોઈ પણ તપાસનો ઈન્કાર કર્યો અને કહ્યું કે આ કોઈ રેલ દુર્ઘટના નથી પરંતુ રેલવેના પાટાઓ પર અનાધિકૃત રીતે પ્રવેશનો મામલો છે.