નવી દિલ્હી: એક બાજુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળો ઓપરેશન ઓલઆઉટ હેઠળ આતંકીઓના ખાત્મામાં લાગ્યા છે. જ્યારે બીજી બાજુ આતંકીઓ પોતાની નવી ખેપ તૈયાર કરવામાં રચ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે હવે કાશ્મીરના ભણેલા ગણેલા યુવાઓ આ આતંકીઓનો હાથો બની રહ્યાં છે. મળતી માહિતી મુજબ દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના એક યુવકે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તે હાથમાં એકે-47 લઈને ઊભો છે. કહેવાય છે કે પીએચડી કરી રહેલા આ યુવકે આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીન જોઈન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએચડી કરી રહેલા આ વિદ્યાર્થીનું નામ મુનાન બશીર વાની છે અને તે અલીગઢની મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એપ્લાયડ જિયોલોજી (Applied Geology)માં પીએચડી કરી રહ્યો હતો. વાનીએ થોડા દિવસ પહેલા જ યુનિવર્સિટી છોડી દીધી હતી. કાશ્મીરના કૂપવાડા જિલ્લાના લોલાબમાં રહેતો વાની 26 વર્ષનો છે અને ત્રણ દિવસ પહેલા જ ઘરે આવવાનો હતો. પરંતુ તેણે ઘરે કોઈ માહિતી આપી નહતી. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વાની છેલ્લા પાંચ વર્ષથી એએમયુમાં રહેતો હતો જ્યાં તેણે એમફિલની ડિગ્રી પણ લીધી હતી. રવિવારે વાનીના પરિવારે તેના લાપત્તા થવાની પોલીસ ફરિયાદ કરી હતી અને ત્યારબાદથી પોલીસ તેની શોધ કરી રહી હતી. 


કાશ્મીરના ભટકેલા યુવકોને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવાના સરકારના પ્રયત્નોને આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. સરકાર છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરી યુવાઓ હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરે અને પોતાનું ભવિષ્ય સુધારે તેના અથાગ પ્રયત્નો કરી રહી છે. અત્રે જણાવવાનું કે થોડા દિવસો પહેલા ફૂટબોલરમાંથી આતંકી બનેલા માજિદ ખાને નવેમ્બર મહિનામાં સુરક્ષા દળો સામે આત્મસમર્પણ કર્યુ હતું.