Tipupati Temple: આંધ્ર પ્રદેશના તિરૂપતિ મંદિરમાં બુધવારે વૈકુંઠ દ્વાર દર્શન માટે ટોકન લેવા દરમિયાન નાસભાગ મચવાને કારણે ચાર લોકોના મોત થયા છે. આ સિવાય અન્ય ભક્તોને ઈજા પહોંચી છે. મૃતકોની સંખ્યા હજુ વધી સકે છે. આ ઘટના તિરૂપતિના વિષ્ણુ નિવાસ અને રામાનાયડૂ સ્કૂલ ક્ષેત્રની પાસે બની છે. ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ ભક્તો ટોકન માટે લાઈનમાં ઉભા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં લગભગ 4000 લોકો હાજર હતા. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD), જે તિરુપતિ મંદિરનું સંચાલન કરે છે, તેણે જાહેરાત કરી હતી કે ગુરુવારે સવારે 5 વાગ્યાથી તિરુપતિમાં નવ સ્થળોએ 94 કાઉન્ટર પર વિશેષ દર્શન ટિકિટ જારી કરવામાં આવશે. જો કે બુધવારે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટવા લાગ્યા હતા. જ્યારે ભક્તોને પ્રવેશની મંજૂરી આપવામાં આવી ત્યારે કાઉન્ટરો પર અરાજકતા જોવા મળી હતી. તેઓએ એકબીજાને ધક્કો મારીને આગળ વધવાનો પ્રયાસ કર્યો, જેના કારણે નાસભાગ મચી ગઈ.


અધિકારીઓના જણાવ્યા અનુસાર, શ્રીનિવાસમ, બૈરાગીપટ્ટેડા અને સત્યનારાયણપુરમમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસ અને ટીટીડી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. TTD 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ વૈકુંઠ દ્વાર દર્શન માટે ગુરુવારે સવારે 1.20 લાખ ટોકન ઈશ્યુ કરવાનું આયોજન કરી રહ્યું હતું.


ભાગદોડની આ ઘટના ત્યારે બની જ્યારે મોટી સંખ્યામાં ભક્તો ટોકન લેવા માટે ભેગા થયા હતા. તિરૂપતિ મંદિર પરિસરમાં થયેલી ભાગદોડની ઘટના પર મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ દુખ વ્યક્ત કર્યું છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું- મુખ્યમંત્રીએ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તત્કાલ સારવાર મળે તે માટે  અધિકારીઓ સાથે વાત કરી છે. મુખ્યમંત્રી સમય-સમય પર જિલ્લા અને ટીટીડી અધિકારીઓ સાથે વાત કરી વર્તમાન સ્થિતિની જાણકારી લઈ રહ્યાં છે. મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે જવાનો આદેશ આપ્યો છે.



ઘટનાસ્થળના સામે આવેલા વીડિયોમાં પણ ભાગદોડ જેવી સ્થિતિ જોઈ શકાય છે. ઘટના બાદ એમ્બ્યુલન્સ ઈજાગ્રસ્તોને લઈ રવાના થઈ હતી. વીડિયોમાં ભક્તો જમીન પર પડેલા જોવા મળી રહ્યાં છે. પોલીસકર્મી અને અન્ય લોકો તેને સીપીઆર આપી રહ્યાં છે. કેટલાક ભક્તોને ખુરશી પર બેસાડી સુરક્ષિત સ્થળ પર લઈ જવામાં આવી રહ્યાં છે.



મફત ટિકિટના કારણે નાસભાગ?
કાઉન્ટર અચાનક ખૂલતાં ભીડ કાબૂ બહાર નીકળી ગઈ હતી અને ટિકિટ માટે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન તમને જણાવી દઈએ કે તિરુપતિ મંદિરે વૈકુંઠ એકાદશીના તહેવાર માટે લગભગ 1.20 હજાર ફ્રી ટિકિટ આપવાની જાહેરાત કરી હતી.