Anil Antony Joins BJP: સોનિયા ગાંધીના ખાસ અને દિગ્ગજ કોંગ્રેસ નેતા એકે એન્ટોનીનો પુત્ર ભાજપમાં જોડાયો
AK Antony Son Joins BJP: કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એન્ટોનીના પુત્રએ ભાજપનો ખેસ પહેરી લીધો છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોની ગુરૂવારે ભાજપમાં જોડાયા છે. અનિલ કેરલ ભાજપના અધ્યક્ષ કે સુંદમરની સાથે પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે તેમને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં સામેલ કર્યાં હતા.
કોણ છે અનિલ એન્ટોની
અનિલ કોંગ્રેસ દિગ્ગજ એકે એન્ટોનીના પુત્ર છે. તેમના પિતા કોંગ્રેસ સરકારમાં રક્ષા મંત્રી પણ રહી ચુક્યા છે. એટલું જ નહીં 2014 ચૂંટણીમાં હાર બાદ મંથનની જવાબદારી તેમને મળી હતી અને તેમણે તૈયાર કરેલા રિપોર્ટને એકે એન્ટોની રિપોર્ટ કહેવામાં આવ્યો હતો. પાછલા વર્ષે કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી દરમિયાન એકે એન્ટોનીના નામની પણ ચર્ચા હતી.
પાર્ટીના સોશિયલ મીડિયા અને ડિજિટલ સંચાર વિભાગના રાષ્ટ્રીય સંયોજક રહેલા અનિલને લઈને કહેવામાં આવે છે કે તે ક્યારેય મુખ્યધારાની રાજનીતિનો ભાગ રહ્યાં નથી. સાથે તેમને તિરૂવનંતપુરમના સાંસદ શશિ થરૂરના પણ નજીકના માનવામાં આવે છે.
2002ના ગુજરાત તોફાનો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બીબીસીની ડોક્યૂમેન્ટ્રી પર વિવાદ બાદ અનિલ એન્ટોનીએ જાન્યુઆરીમાં કોંગ્રેસ છોડી દીધી હતી. તેમના પિતા કોંગ્રેસની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે. આ સિવાય તે કેરલના મુખ્યમંત્રી પણ રહ્યાં છે. એકે એન્ટોનીનું નામ કોંગ્રેસના દિગ્ગજોમાં સામેલ રહ્યું છે.