નવી દિલ્લીઃ દેશના 11માં રાષ્ટ્રપતિ, ભારત રત્ન અને મિસાઈલ મેન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો આજે જન્મ દિવસ છે. ડૉક્ટર કલામનું જીવન હંમેશા સૌને પ્રેરણા આપતું રહ્યું છે. તેમના જન્મ દિવસ પર જાણીએ કલામ વિશેની દિલચસ્પ કહાનીઓ. જનતાના રાષ્ટ્રપતિ તરીકે જાણીતા એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના દિવસે રામેશ્વરમાં એક તમિલ મુસ્લિમ પરિવારમાં થયો હતો. બાળપણમાં તેમના ઘરની સ્થિતિ સારી ન હોવાથી તેમણે વહેલી સવારે ઘરે છાપા નાખવાનું કામ પણ કર્યું હતું. અબ્દુલ કલામનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું. જેમાંથી આગળ આવીને તેઓ દેશના મિસાઈલ મેન બન્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિસાઈલ મેન અબ્દુલ કલામનું બાળપણનું સપનું ફાઈટર પાયલટ બનવાનું હતું. અને તેમને એકવાર એ મોકો મળ્યો હતો. તેમણે પોતે પોતાની બુકમાં ખુલાસો કર્યો હતો કે, તેઓ ફાયટર પાયલટ બનવાનો સપનું જોતા હતા. એકવાર વાયુસેનાએ 8 ફાઈટર પાયલટ્સની જોબ કાઢી હતી. કલામે અપ્લાય કર્યું પરંતુ તેઓ નવમાં નંબર પર આવ્યા. કદાચ નસીબમાં કાંઈક સારું લખ્યું હતું.



કલામને હંમેશા સામાન્ય લોકોની ચિંતા રહેતી હતી. સતત કલામ એ પ્રયાસમાં રહેતા હતા કે કેવી રીતે ટેક્નોલોજીની મદદથી તેમની જરૂરિયાતની વસ્તુઓ સસ્તી કરવામાં આવી હતી. હૈદરાબાદના કેર હૉસ્પિટલના ચેરમેન સોમા રાજૂની મદદથી તેમણે એક સસ્તું કોરોનરી સ્ટેન્ટ પણ બનાવ્યું હતું, જેને કલામ-રાજૂ સ્ટેન્ટના નામથી જાણવામાં આવે છે. આ સાથે તેમણે મળીને ગ્રામીણ વિસ્તારમાં હેલ્થ કેર વર્કર્સ માટે એક ટેબ્લેટ કમ્પ્યુટર તૈયાર કર્યું હતું. જેને કલામ-રાજૂ ટેબલેટ નામ આપવામાં આવ્યું.


એપીજે અબ્દુલ કલામને હિંદૂ ધર્મ પ્રત્યે ખાસ લગાવ હતો. તેમણે પ્રમુખ સ્વામી મહારાજને પોતાના આદ્યાત્મિક ગુરુ માન્યા હતા. પ્રમુખ સાથેની પોતાની યાદોને લઈને તેમણે ખાસ બુક પણ લખી હતી. જ્યારે ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર હુમલો થયો હતો ત્યારે જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા, સુરક્ષા સાથે જોડાયેલા લોકો હોય કે આતંકી, સ્વામીજીએ દરેક મૃતદેહ પર પવિત્ર જળનો છંટકાવ કર્યો હતો. અને કહ્યું હતું કે- દરેક જિંદગી પવિત્ર છે. ત્યારથી જ કલામ તેમના ભક્ત બની ગયા હતા.


કલામ દેશના 11માં રાષ્ટ્રપતિ બન્યા અને લોકો વચ્ચે એટલા લોકપ્રિય થયા હતા કે તેઓ જનતાના રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવા લાગ્યા. 27 જુલાઈ 2015ના દિવસે શિલોંગમાં એક કાર્યક્રમમાં એપીજે અબ્દુલ કલામનું કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થઈ ગયું. પરંતુ લોકોના દિલમાં આજે પણ તેઓ જીવંત છે.