નવી દિલ્હી: 25 ઓગસ્ટ 2017ના રોજ ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને 20 વર્ષના જેલવાસની સજા સંભળાવનારા વિશેષ સીબીઆઈ જજ જગદીપ સિંહે શુક્રવારે એક વધુ આકરો ચુકાદો આપ્યો. અપના ઘર દુષ્કર્મ અને શારીરિક શોષણ મામલે જજ જગદીપ સિંહે જસવંતી દેવી, તેના જમાઈ જય ભગવાન અને ડ્રાઈવર સતીષને ઉમરકેદની સજા ફટકારી છે. આ ઉપરાંત 5 અન્ય દોષિતો જસવંતીની પુત્રી સુષમા ઉર્ફે સિમી, પિતરાઈ બહેન શીલા, સખી રોશની, કર્મચારી રામપ્રકાશ સૈની, કાઉન્સિલર વીણાની સજા અંડરગોન કરી દેવાઈ છે. અત્રે જણાવવાનું કે આ મામલામાં તમામને 18 એપ્રિલના રોજ સીબીઆઈની વિશેષ કોર્ટે દોષિત જાહેર કર્યા હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

2012માં પડ્યા હતાં દરોડા
ઉલ્લેખનીય છે કે આ કેસમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે મે 2012માં એક દરોડા દરમિયાન અનાથાશ્રમના 100થી વધુ બાળકોને બચાવ્યાં હતાં. રિપોર્ટ્સ મુજબ આ દરોડા દરમિયાન જે બાળકોને છોડાવવામાં આવ્યાં હતાં તેમાં મોટાભાગની છોકરીઓ હતી. આ મામલાની તપાસ થયા બાદ કેન્દ્રીય તપાસ બ્યુરોએ 2012માં કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ચાર્જશીટમાં 7 લોકો પર સગીરો સાથે અપરાધનો આરોપ લગાવ્યો હતો. આ મામલાની સુનાવણી બાદ 2013માં ચાર્જશીટમાં ત્રણ વધુ નામ જોડવામાં આવ્યાં હતાં.



જસવંતી દેવી પર લાગ્યા હતાં ગંભીર આરોપ
તપાસ દરમિયાન સીબીઆઈએ એનજીઓની પ્રમુખ જસવંતી દેવી, તેની પુત્રી સુષમા અને જમાઈ જય ભગવાન પર માનવ તસ્કરીનો આરોપ લગાવ્યો હતો. સીબીઆઈએ કહ્યું હતું કે આરોપીઓએ માસૂમ બાળકો સાથે જબરદસ્તીથી મજૂરી કરાવી, અને શારીરિક સંબંધો બાંધ્યા. આ સાથે જ સગીર બાળકીઓના ગર્ભપાતનો આરોપ પણ એનજીઓ સંચાલકો પર લાગ્યો હતો.


બાળકીઓના નિવેદનો બન્યા મહત્વના
કોર્ટમાં વકીલોએ દલીલ કરી કે આ કેસમાં છોકરીઓના નિવેદનોને મુખ્ય આરોપીઓી ઓળખ કરવા અને તેમને સજા અપાવવામાં ઉપયોગી લેવાય. સગીરાઓના નિવેદનના આધારે જ આરોપીઓ પર સામૂહિક દુષ્કર્મની કલમો લગાવવામાં આવી. આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર, સામૂહિક બળાત્કાર, અનૈતિક તસ્કરી, છેડતી, સહમતિ વગર ગર્ભપાત, બાળમજૂરી અને બાળકો સાથે ક્રુરતાની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.