નવી દિલ્હીઃ જસ્ટિસ રંજન ગોગોઈની ભારતના આગામી મુખ્ય ન્યાયાધિશ તરીકેની નિમણૂકને પડકારતી અરજી પર સુનાવણી કરવા મંગળવારે સુપ્રીમ કોર્ટે તૈયારી દર્શાવી છે. મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા, ન્યાયાધિશ એ.એમ. ખાનવિલકર અને ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચે અરજીકર્તા વકીલ આર.પી. લુથરાને કોર્ટ માસ્ટર સામે આ અંગેનો મેમો ફાઈલ કરવા જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલત બુધવારે આ મામલે સુનાવણી હાથ ધરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેન્ચ સમક્ષ અરજી કરતાં લુથરાએ જણાવ્યું હતું કે, આ અત્યંત અરજન્ટ બાબત હોવાથી સુપ્રીમ દ્વારા તેની ચોક્કસ તારીખ નક્કી કરવી જોઈએ. અરજીનો જવાબ આપતાં બેન્ચે જણાવ્યું કે, "તમે રાહ જુઓ અને જૂઓ. તમે આ અંગેનો ઉલ્લેખ કરતી અરજી દાખલ કરો, અમે જોઈ લઈશું."


વકીલ સત્યવીર શર્મા સાથે દાખલ કરેલી અરજીમાં લુથરાએ જણાવ્યું કે, 
તેઓ કાયદાની દૃષ્ટિએ એ જાણવા માગે છે કે જેમાં 12 જાન્યુઆરીના રોજ સર્વોચ્ચ અદાલતના ચાર સિનિયર ન્યાયાધિશ (જસ્ટિસ ચેલમેશ્વર (હવે નિવૃત્ત), રંજન ગોગોઈ, મદન બી. લોકુર અને કુરિયન જોસેફ) દ્વારા પત્રકાર પરિષદમાં જે માહિતી રજૂ કરાઈ હતી તે યોગ્ય હતી કે નહીં. 


અરજીકર્તાઓએ તેમની અરજીમાં જણાવ્યું છે કે, તેઓ સર્વોચ્ચ અદાલતના ચાર ન્યાયાધિશ દ્વારા મુખ્ય ન્યાયાધિશને સંબોધીને લખાયેલા અને જાહેર કરાયેલા તારીખ વગરના પત્રને પણ આ અરજીનો આધાર ગણાવે છે. અરજીકર્તાઓનો દાવો છે કે, આ ન્યાયાધિશો દ્વારા જાન્યુઆરી મહિનામાં જે પત્રકાર પરિષદ બોલાવાઈ હતી તે ભારતની ન્યાયવ્યવસ્થા પર સીધો હુમલો હતો. કોર્ટના આંતરિક વિખવાદોને નામ ઉપરોક્ત ચાર ન્યાયાધિશોએ જાહેર જનતાની લાગણીઓ ભડકાવાનો પ્રયાસ કર્યો હતો. 


આધાર ફરજિયાત થશે કે પછી સરકારના દાવા થશે નિરાધાર? આવતીકાલે આવશે ચૂકાદો 


તેમણે અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, તેઓ પ્રતિવાદી-1 (કેન્દ્ર સરકાર) અને પ્રતિવાદી-2 (ભારતના મુખ્ય ન્યાયાધિશ) દ્વારા જે પગલાં લેવાયાં અને જે અવગણના કરાઈ છે તેનાથી તેઓ નારાજ છે, અને તેના પરિણામે પ્રતિવાદી-3 (જસ્ટિસ રંજન ગોગોઈ)ની ભારતના મુખ્ય ન્યાયાધિશ તરીકે નિમણૂક થવા પામી છે, જ્યારે કે ગેરકાયદે અને સંસ્થાવિરોધી કાર્ય બદલ તેમને ઠપકો આપવો જોઈતો હતો. 


અરજીમાં જણાવાયું છે કે, પ્રતિવાદી-1 અને પ્રતિવાદી-2ની જે કાર્યવાહી છે તે ગેરકાયદે અને ગેરબંધારણિય છે અને સાથે જ કાયદાના નિયમોનું ઉલ્લંઘન છે, કેમ કે ન્યાય વ્યવસ્થાના સર્વોચ્ચ પદ પર એક એવી વ્યક્તિની નિમણૂક કરાઈ છે જે ન્યાયિક ઔચિત્ય અને ન્યાયિક ગેરવર્તણુકનો દોષી છે. આ સાથે જ તેમણે અરજીમાં 3 ઓક્ટોબરના રોજ જસ્ટિસ રંજન ગોગોઈની દેશના મુખ્ય ન્યાયાધિશ તરીકેની નિમણૂકના આદેશને રદ્દ કરવાની માગ કરી છે. 


ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 3 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ ગોગોઈની દેશના 46મા મુખ્ય ન્યાયાધિશ તરીકે નિમણૂક કરી છે. જસ્ટિસ ગોગોઈ સુપ્રીમ કોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની નિવૃત્તિ બાદ 3 ઓક્ટોબરના રોજ મુખ્ય ન્યાયાધિશ તરીકે પદ અને ગુપ્તતાના સોગંધ લેવાના છે. જસ્ટિસ ગોગોઈ આસામમાંથી પ્રથમ મુખ્ય ન્યાયાધિશ બનવા જઈ રહ્યા છે. જસ્ટિસ ગોગોઈ દેશના મુખ્ય ન્યાયાધિશ પદ પર 13 મહિના સુધી રહેશે અને તેઓ 17 નવેમ્બર, 2019ના રોજ નિવૃત્ત થવાના છે.