નવી દિલ્હી : પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા સંઘર્ષવિરામના ઉલ્લંઘન મામલે શિવસેના સાંસદે કડક શબ્દોમાં કહ્યું છે કે આ એક પ્રકારનું યુદ્ધ છે અને એનો જવાબ આ ભાષામાં જ આપવો જોઈએ. શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે પાકિસ્તાને 4 ફેબ્રુઆરીના દિવસે આપણા જવાનો પર મિસાઇલથી હુમલો કર્યો. શું આપણી મિસાઇલો માત્ર રાજપથ પ્રદર્શન કરવા માટે અને ભીડ પાસેથી તાળીઓની વસુલી કરવા માટે જ છે? શું આ મિસાઇલ 26 જાન્યુઆરીએ વિદેશી મહેમાનોને દેખાડવા માટે જ છે ? સંજય રાઉતે આરોપ મૂક્યો છે કે  આ સંઘર્ષવિરામ ઉલ્લંઘન નથી પણ સીધી લડાઈ જ છે. જો આ વાતનો જવાબ નહીં આપવામાં આવે તો આખી દુનિયામાં દેશને નામર્દ કહેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખાની આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા જબરદ્સ્ત ફાયરિંગમાં સેનાના એક અધિકારી અને ત્રણ જવાન શહિદ થઈ ગયા છે જ્યારે ઓછામાં ઓછા ચાર ઇજાગ્રસ્ત થયેલ છે. અધિકારીઓએ માહિતી આપી છે કે ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે અને બંને તરફથી ભારે ફાયરિંગ થઈ રહ્યું છે. 


સેનાના અધિકારીએ માહિતી આપી છે કે પાકિસ્તાની સૈનિકોએ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે ભીમભેર ગલી સેક્ટરમાં 4 ફેબ્રુઆરીએ જબરદસ્ત ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ઘાયલ થયેલા સેનાના એક અધિકારીનું મૃત્યુ થયું હતું. સેનાના અધિકારીઓએ માહિતી આપી છે કે પોતાના જન્મદિવસના છ દિવસ પહેલાં જ ગુરુગ્રામના રંસિકા ગામના 22 વર્ષના કેપ્ટન કપિલ કુંડ ફાયરિંગમાં શહિદ થઈ ગયા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં રહેતા 42 વર્ષના હવાલદાર રોશન લાલ,  મધ્યપ્રદેશના ગ્વાલિયરના 27 વર્ષીય રાઇફલ મેન રામ અવતાર તેમજ જમ્મુ-કાશ્મીરના  કઠુઆ જિલ્લાના 23 વર્ષીય શુભમ સિંહ પણ આ સંઘર્ષમાં શહિદ થઈ ગયા છે. 


(ઇનપુટ એજન્સીથી)