RTI કાર્યકર્તાના ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો, જુઓ લાઇવ VIDEO
હરિયાણાના જીંદમાં આરટીઆઇ કાર્યકર્તા સુનીલ કપૂર પર જીવલેણ હુમલો થયો છે. ન્યૂઝ એજન્સી ANI એ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે હથિયાબંધ લુખ્ખાતત્વો સુનીલ કપૂરના ઘરમાં ઘૂસી ગયા અને તેમની સાથે મારઝૂડ કરી રહ્યાં છે.
નવી દિલ્હી: હરિયાણાના જીંદમાં આરટીઆઇ કાર્યકર્તા સુનીલ કપૂર પર જીવલેણ હુમલો થયો છે. ન્યૂઝ એજન્સી ANI એ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે હથિયાબંધ લુખ્ખાતત્વો સુનીલ કપૂરના ઘરમાં ઘૂસી ગયા અને તેમની સાથે મારઝૂડ કરી રહ્યાં છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે સુનીલના ઘરની મહિલાઓ મદદની માંગ કરી રહી છે, પરંતુ અસામાજિક તત્વો ઘરમાં ઘૂસીને મારઝૂડ કરી રહ્યાં છે. અસામાજિક તત્વોની આ હરકતથી સુનીલ કપૂર અને તેમના ઘરના બાળકોને ગંભીર ઇજા પહોંચી છે. સમગ્ર ઘટનાક્રમ સુનીલ કપૂરના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ અસામાજિક તત્વો કોણ હતા અને કઇ વાતની નારાજગી વ્યક્ત કરવા માટે સુનીલ કપૂરના ઘર પર હુમલો કરી રહ્યા હતા. હુમલાવર નકાબમાં હતા જેથી તેમની ઓળખ કરવામાં સમસ્યા આવી રહી છે.
પોલીસના અનુસાર જીંદના બાજરન મોહલ્લામાં સુનીલ કપૂર અને તેમનો પરિવાર રહે છે. મંગળવારે રાત્રે લગભગ 10 વાગે છ નકાબધારી અસામાજિક તત્વોએ હુમલો કર્યો. હુમલાવરોએ સુનીલના ઘર પર બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું. તેમાં પરિવારના લોકો માંડ માંડ બચી ગયા, પરંતુ અસામાજિક તત્વોએ લાકડી અને દંડા વડે પરિવાર હુમલો કર્યો. તેમાં સુનીલ કપૂર તથા તેમની માતાને ઇજા પહોંચી છે.
સુનીલ કપૂરની ફરિયાદ પર પોલીસે અજ્ઞાત લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે રાત્રે સુનીલ, મોટાભાઇ સંજય કુમાર, પિતા ઓમપ્રકાશ અને માતા મીના કપૂર ઘરે ટીવી જોઇ રહ્યાં હતા. ત્યારે અચાનક તેમને ઘરની બહાર તોડફોડનો અવાજ સંભળાયો. ત્યારે તે બહાર નિકળ્યા તો ચાર નકાબધારી અસામાજિક તત્વો ઘરમાં ઘૂસી આવ્યા અને બે બદમાશો બહાર ઉભા રહ્યા હતા, તેમણે હવામાં બે ગોળીઓ ફાયરિંગ કરી.
ડરના માર્યા સુનીલ કપૂર અને તેમના પરિવારના લોકો અંદર ઘૂસી ગયા અને દરવાજો બંધ કરી દીધો. અસામાજિક તત્વોએ દરવાજા પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો. તેમાં સુનીલ કપૂરના માથામાં દંડો વાગતાં ઇજા પહોંચી છે. અસામાજિક તત્વોએ તેમની માતા મીના કપૂર પર હુમલો કર્યો હતો. હોબાળો સાંભળીને આસપાસના લોકો એકઠા થઇ ગયા, પરંતુ ત્યાં સુધી લુખ્ખાતત્વો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા.