ભારતીય સેનાના મેજર ગોગોઈ મોટા વિવાદમાં ફસાયા, કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ
હોટલમાં મહિલાને લઈને ગયેલા ભારતીય સેનાના મેજર લીતુલ ગોગોઈને રોકવામાં આવતા હોટલકર્મીઓ સાથે થયેલી ઝપાઝપીને લઈને સેનાએ મેજર પર આકરું વલણ અપનાવ્યું છે.
શ્રીનગર: હોટલમાં મહિલાને લઈને ગયેલા ભારતીય સેનાના મેજર લીતુલ ગોગોઈને રોકવામાં આવતા હોટલકર્મીઓ સાથે થયેલી ઝપાઝપીને લઈને સેનાએ મેજર પર આકરું વલણ અપનાવ્યું છે. પહેલા સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે જો મેજર ગોગોઈએ કશું ખોટું કર્યું હશે તો તેમને યોગ્ય સજા મળશે. સેના પ્રમુખના આ નિવેદન બાદ તરત જ સેનાએ મેજર ગોગોઈ વિરુદ્ધ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ઈન્ડિયન આર્મીના હવાલે જણાવ્યું કે સેનાએ મેજર ગોગોઈ વિરુદ્ધ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે અને તપાસના પરિણામોને આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ અગાઉ આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું હતું કે જો મેજર ગોગોઈએ કોઈ ખોટુ કામ કર્યુ હશે તો તેમને બરાબર સજા કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે પત્થરબાજને જીપ સાથે બાંધીને ફેરવ્યા બાદ ચર્ચામાં આવેલા મેજર ગોગોઈ એક નવા વિવાદમાં ફસાયા છે. તેમના પર આરોપ છે કે તેઓ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરની એક હોટલમાં એક મહિલા સાથે ઘૂસ્યા હતાં. ત્યારબાદ વિવાદ થયો હતો અને તેમની અટકાયત કર્યા બાદ તેમને છોડવામાં આવ્યાં હતાં.
આ મુદ્દે આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું કે ભારતીય સેનામાં કોઈ પણ(કોઈ પણ રેંકના) જો કઈ ખોટું કરે અને અમારા ધ્યાનમાં આવે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો મેજર ગોગોઈએ કઈ ખોટુ કર્યુ હશે તો હું કહું છું કે તેમને યોગ્ય દંડ આપવામાં આવશે અને દંડ પણ એવો હશે જે એક ઉદાહરણ સ્થાપિત કરશે.
શું વિવાદ થયો હતો?
અત્રે જણાવવાનું કે બુધવારે એક હોટલમાં મહિલા સાથે પ્રવેશેલા મેજર લિતુલ ગોગોઈને રોકવામાં આવ્યાં બાદ વિવાદ થયો હતો. વિવાદ થતા હોટલના લોકોએ પોલીસ બોલાવી અને પોલીસે મેજરની અટકાયત કરી હતી. પૂછપરછ બાદ જો કે તેમને છોડી મૂકવામાં આવ્યાં હતાં. મેજિસ્ટ્રેટ સામે મહિલાએ નિવેદન નોંધાવ્યાં બાદ તેને પણ જવા દેવાઈ હતી. તમામ દસ્તાવેજોના આધારે એ સાબિત થયું હતું કે મહિલા સગીર વયની નહતી. પોલીસ તપાસ કરી રહી છે, મહિલાના પરિવારની માગણી છે કે આ કેસ બંધ કરી દેવામાં આવે.