J&K: સેના આકરા પાણીએ, પુલવામામાં લશ્કરના 4 આતંકીઓ ઠાર
મળતી માહિતી મુજબ રવિવારે મોડી રાતે સુરક્ષાદળોને પુલવામામાં ફાયરિંગની માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે વિસ્તારની ઘેરાબંધી કરીને અભિયાન ચલાવ્યું.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં રવિવારે મોડી રાતથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે. આ અથડામણમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ અત્યાર સુધી 4 આતંકીઓને ઠાર કર્યા છે. આ સાથે જ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ ચારેય આતંકીઓ લશ્કર એ તોયબાના હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ રવિવારે મોડી રાતે સુરક્ષાદળોને પુલવામામાં ફાયરિંગની માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે વિસ્તારની ઘેરાબંધી કરીને અભિયાન ચલાવ્યું.
માર્યા ગયેલા આતંકીઓ પાસેથી બે એકે રાયફલ્સ, એક એસએલઆર અને એક પિસ્તોલ મળી આવ્યાં છે. એવી પણ આશંકા છે કે વિસ્તારમાં હજુ બેથી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
સીઆરપીએફની 44 આરઆર બટાલિયન, સેના અને એસઓજીએ આતંકીઓ વિરુદ્ધ જોઈન્ટ ઓપરેશન ચલાવ્યું છે. વિસ્તારમાં આતંકીઓ હોવાની બાતમી મળતા જ અભિયાન ચલાવવામાં આવ્યું. સંદિગ્ધોને સુરક્ષાદળોએ બહાર આવવાનું કહેતા તેમણે સુરક્ષાદળો પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધુ.
જુઓ LIVE TV