રસ્તા પર ખાડાને કારણે 15,000નાં મોત `અસ્વીકાર્ય` બાબતઃ સુપ્રીમ કોર્ટ
દેશમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન રસ્તા પર ખાડાને કારણે થયેલા અકસ્માતમાં 15,000નાં મોતના આંકડાને સુપ્રીમ કોર્ટે સહરદ પર કે આતંકી હુમલામાં થતાં મોત કરતાં પણ મોટો જણાવ્યો છે
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરૂવારે રસ્તા પરના ખાડાને કારણે થયેલા 15,000 મોતના આંકડાને 'અસ્વીકાર્ય' ગણાવ્યો હતો. સુપ્રીમે જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં આટલા મોત એ સરહદ ઉપર અથવા તો આતંકવાદી હુમલામાં થતાં મોતના આંકડા કરતાં પણ વધુ છે. જસ્ટિસ મદન બી લોકુરની બેન્ચે જણાવ્યું કે, આ આંકડા દર્શાવે છે કે સત્તાતંત્રને સડકની યોગ્ય મરામતમાં રસ નથી.
જસ્ટિસ મદન બી. લોકુરની અધ્યક્ષતાવાળી બેન્ચના સભ્ય જસ્ટિસ દીપક ગુપ્તા અને હેમંત ગુપ્તાએ જણાવ્યું કે, "સડક પર પડેલા ખાડાને કારણે આટલા બધા લોકોનાં મોત એ અસ્વીકાર્ય બાબત છે."
આ બેન્ચે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધિશ જસ્ટિસ કે.એસ. રાધાકૃષ્ણની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા 'સડક સુરક્ષા' અંગે તૈયાર કરવામાં આવેલા એક અહેવાલ પર ટિપ્પણી કરી હતી. આ અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 2013થી 2017 દરમિયાન દેશમાં 14,926 લોકોનાં રસ્તા પરના ખાડાને કારણે થયેલા અકસ્માતમાં મોત થયા હતા.
બેન્ચે જણાવ્યું કે, "પાંચ વર્ષમાં 15,000 મોત, કદાચ સરહદ પર થતાં મોત અથવા આતંકવાદી હુમલામાં થતાં મોત જેટલો આંકડો." "આ આંકડા બીજા કોઈના નહીં પરંતુ સરકારી છે." બેન્ચે આ મુદ્દે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારો સાથે ચર્ચા કર્યા બાદ જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે અને વધુ સુનાવણી જાન્યુઆરી પર પાછી ઠેલી છે.
આ કેસમાં એમીકસ ક્યુરી તરીકે કોર્ટને મદદ કરતા વકીલ ગૌરવ અગ્રવાલે જણાવ્યું કે, આ કમિટીએ સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવેલા સુચનો અનુસાર તૈયાર કર્યો છે અને તેમાં તમામ રાજ્યો પાસેથી આંકડા મેળવવામાં આવ્યા છે. વકીલે જણાવ્યું કે, આ આંકડા માર્ગ પરિવહન અને ધોરિમાર્ગ મંત્રાલયમાં નોંધાતા અકસ્માતને આધારે તૈયાર થયેલા છે.
આ બેન્ચે નોંધ્યું કે, નગરપાલિકાઓ, રાષ્ટ્રીય ધોરિમાર્ગ સત્તામંડળ, સડક નિર્માણ સાથે સંક્ળાયેલી કંપનીઓ અને રાજ્યના સડક વિભાગ આ અકસ્માતો માટે જવાબદાર છે, કેમ કે તેઓ સડકની યોગ્ય રીતે જાળવણી કરતા નથી.