નવી દિલ્હી: લંડનની કોર્ટમાં ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ દાવો કર્યો છે કે ભારત છોડતા પહેલા તેણે પોતાના મામલાની પતાવટ માટે નાણાકીય મંત્રી અરુમ જેટલીની મુલાકાત કરી હતી પરંતુ બેંકોએ તેમના સેટલમેન્ટ પર સવાલ ઊભા કર્યા હતાં. જો કે નાણા મંત્રી અરુણ જેટલીએ આ દાવાને સરસાર જુઠ્ઠાણું ગણાવ્યું છે. આ બાજુ માલ્યાના આ દાવા બાદ ભારતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. કોંગ્રેસે માલ્યાના આ દાવા પર સરકારનો જવાબ માંગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે માલ્યાનો દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. તેમણે કહ્યું કે '2014થી મેં માલ્યાને મળવા માટે  કોઈ સમય આપ્યો નથી. આથી તેને મળવાનો તો સવાલ જ ઊભો થતો નથી. જો કે જ્યારે તેઓ રાજ્યસભાના સભ્ય હતાં ત્યારે સદનની કાર્યવાહીમાં સામેલ થતા હતાં. એક અવસર પર જ્યારે હું સદનમાં મારા રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેમણે પ્રિવિલેજનો ખોટો ઉપયોગ કર્યો.'


પોતાના ફેસબુક પેજ પર જેટલીએ લખ્યું કે 'તેઓ મારી પાસે આવ્યાં અને કહ્યું કે તેઓ સેટલમેન્ટ માટે એક ઓફર તૈયાર કરી રહ્યાં છે. જેના પર મેં તેમને કહ્યું હતું કે આ અંગે મારી સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. તેમણે બેંકો સાથે વાત કરવી જોઈે. માલ્યાં પોતાના હાથમાં જે કાગળ લઈને ફરતા હતાં અને મને આપવાની કોશિશ કરતા હતાં તે કાગળો પણ મેં લીધા નહતાં.'



નાણામંત્રીએ કહ્યું કે 'ફક્ત આ જ પ્રસંગ સિવાય મારો તેમની સાથે કોઈ સંવાદ થયો નથી અને એ પણ તેમણે રાજ્યસભાના સભ્ય હોવાના કારણે મળેલા પ્રિવિલેજનો ખોટો ઉપયોગ કર્યો.' તેમણે કહ્યું કે આ સિવાય વિજય માલ્યાની સાથે તેમની છેલ્લા 4-5 વર્ષો દરમિયાન કોઈ મુલાકાત થઈ નથી.


આ બાજુ વિજય માલ્યાના દાવા બાદ દેશના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાઈ ગયો છે.  કોંગ્રેસે આ મામલે સરકાર પાસે જવાબ માંગ્યો છે. અત્રે જણાવવાનું કે બુધવારે પોતાના પ્રત્યાર્પણ મામલે સુનાવણી દરમિયાન લિકર કિંગ વિજય માલ્યા લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં હાજર થયો હતો. સુનાવણી વખતે તેણે કોર્ટને જણાવ્યું હતું કે ભારત છોડતા પહેલા તેણે નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરી હતી અને બેંકોના દેવાના સેટલમેન્ટનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.