નવી દિલ્હી: સર્જિકલ સ્ટ્રાઈકના વીડિયો લીક થયા બાદ મચેલા રાજકીય ઘમાસાણ વચ્ચે હવે ભાજપના બળવાખોર નેતા અરુણ શૌરીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પણ અગાઉ આ સ્ટ્રાઈક પર સરકાર પર સવાલોનો વરસાદ વરસાવી ચૂકી છે. પરંતુ હવે શૌરીએ ફરીથી મોદી સરકાર પર સવાલોના બહાને નિશાન સાધ્યું છે. આ અગાઉ પણ તેઓ એમ કહીને ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે એવા રિપોર્ટ્સ હતા કે તેમણે સર્જિકલ સ્ટ્રાઈકને ફર્જિકલ સ્ટ્રાઈક ગણાવી છે. જો કે શૌરી પોતે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવે છે અને તેને રિપોર્ટરની ભૂલ ગણાવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્જિકલ સ્ટ્રાઈકના વીડિયો પર પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરીએ કહ્યું કે જો આવી કોઈ ઘટના અટલ બિહારી વાજપેયી સરકારના સમયે થયી હોત અને કોઈએ તેમને સર્જિકલ સ્ટ્રાઈક અંગે પૂછ્યું હોય તો તેઓ પોતાની આંખો ફેરવત અને તેને વળતો જવાબ આપત કે "ખરેખર સ્ટ્રાઈક થઈ છે". આજે સરકારની વિશ્વસનીયતા ઓછી થઈ છે. આથી આ પ્રકારના વીડિયો લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે.



અરુણ શૌરીએ એ રિપોર્ટને પણ ફગાવ્યાં જેમાં કહેવાયું હતું કે તેમણે સર્જિકલ સ્ટ્રાઈકને ફર્જિકલ સ્ટ્રાઈક ગણાવી હતી. તેમણે કહ્યું કે બે ચેનલના રિપોર્ટરોએ મારા શબ્દોને ખોટી રીતે પરિભાષિત કર્યાં. તેમણે કહ્યું કે મેં સેનાનું અપમાન કર્યું હતું. મે ફર્જિકલનો ઉપયોગ આ ઘટનાને વધુ પ્રચારિત કરવા બદલ કર્યો હતો.


નોંધનીય છે કે અરુણ શૌરીનું નિવેદન ત્યારે  ખુબ વિવાદમાં આવ્યું હતું જ્યારે દિલ્હીમાં કોંગ્રેસના નેતા સૈફુદ્દીન સૌજના પુસ્તક વિમોચનના અવસરે તેઓ બોલી રહ્યાં હતાં. હાલમાં જ સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો જાહેર કરવામાં આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.