નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે ટ્વિટ કરીને રાહુલ ગાંધી અને પીએમ મોદીના મંદિર-મસ્જિદ જવા પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે 'રાહુલજી મંદિરોમાં ઘૂમી રહ્યાં છે, મોદીજી આજકાલ મસ્જિદોમાં ઘૂમી રહ્યાં છે. રાષ્ટ્ર નિર્માણ મંદિર મસ્જિદથી નહીં પંરતુ લોકોને સ્કૂલ, હોસ્પિટલ, રસ્તાઓ, વીજળી અને પાણી આપવાથી થશે. 21મી સદીના ભારતના મંદિરો અને મસ્જિદો શાળા, ઉચ્ચ શિક્ષણ સંસ્થાન અને વર્લ્ડ ક્લાસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ છે.' 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ઈન્દોરના દાઉદી વ્હોરા મુસ્લિમ સમુદાયના 53માં ધર્મગુરુ સૈયદના મુફદલ સૈફુદ્દીનના અસરા મબારક કાર્યક્રમમાં સામેલ થયા હતાં. આ અવસરે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતાં. પીએમ મોદીએ સૈફી મસ્જિદમાં ખુલ્લા પગે પ્રવેશ કર્યો હતો અને મજલિસમાં સામેલ થયા હતાં. મસ્જિદમાં હાજર લોકોને સંબોધિત કરતા પીએમ મોદીએ વ્હોરા સમુદાયના સામાજિક યોગદાનના વખાણ કરતા કહ્યું કે આ સમુદાયે રાષ્ટ્રભક્તિની મિસાલ રજુ કરી છે. 



આ બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ જ મહિને કૈલાસ માનસરોવરની યાત્રા કરીને પાછા ફર્યા છે. તેઓ સપ્ટેમ્બરની શરૂઆતમાં આ યાત્રા પર ગયા હતાં. ત્યારબાદ કોંગ્રેસે ગત સપ્તાહે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લઈને સરકારને ઘેરવા ભારત બંધ કર્યુ હતું.  તે દિવસે જ રાહુલ ગાંધી કૈલાસ માનસરોવર યાત્રાથી પાછા ફર્યા હતાં અને ભારતબંધમાં કોંગ્રેસનું નેતૃત્વ કર્યુ હતું.