નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એકવાર ફરીથી યુપીને પ્રદેશોમાં વહેંચી દેવાની માગણી કરી નાખી છે. શનિવારે નોઈડા સેક્ટર 46માં આમ આદમી પાર્ટીની જન અધિકાર યાત્રાના સમાપન પર થયેલી સભામાં કેજરીવાલે ઉત્તર પ્રદેશના ચાર રાજ્ય બનાવવાની માગણી કરી. આ પ્રસ્તાવ સૌથી પહેલા યુપીના પૂર્વ મુખ્યમત્રી માયાવતીએ પોતાની સરકારમાં કર્યો હતો. તેમણે યુપીને પ્રદેશોમાં વહેંચી દેવાની માંગણી કરી હતી. હવે આ માગણીને કેજરીવાલે ફરીથી હવા આપવાની કોશિશ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ આદમી પાર્ટીની સભા દરમિયાન તેમણે એ પણ જાહેરાત કરી કે તેમની પાર્ટી આ મુદ્દે પ્રદેશમાં સંઘર્ષ કરશે. કેજરીવાલે કહ્યું કે "યુપી એક મોટું રાજ્ય છે, નાના રાજ્યમાં વિકાસ સરળ હોય છે. આથી સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા માટે અમે ઉત્તર પ્રદેશને અવધ, બુંદેલખંડ, પૂર્વાંચલ અને પશ્ચિમમાં વહેંચવાની માગણીનું સમર્થન કરીએ છીએ. માત્ર સમર્થન નહીં, પરંતુ અમે તેના માટે સંઘર્ષ પણ કરીશું."



આ સભામાં તેમની સાથે ભાજપના બળવાખોર નેતા યશવંત સિંહા અને શત્રુધ્ન સિંહા પણ હાજર હતાં. કેજરીવાલે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને લોકસભા ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો. સભા દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઉત્તર પ્રદેશ પોતાના મોટા આકારને કારણે વિકાસની રેસમાં પાછળ રહે છે. સભામાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા હતાં. 



આ અવસરે ભાજપના સાંસદ અને બળવાખોર રૂપ ધારણ કરી ચૂકેલા નેતા શત્રુધ્ન સિંહાએ પણ અરવિંદ કેજરીવાલ અને તેમની સરકારના ખુબ વખાણ કર્યાં. તેમણે કહ્યું કે કેજરીવાલની સરકારે સ્વાસ્થ્ય અને શિક્ષણની દિશામાં જે રીતે કામ કર્યુ છે, તેવું કામ કોઈ કરી શકે નહીં.