હૈદરાબાદઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હૈદરાબાદમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. અહીં એક જાહેરસભામાં તેમણે જણાવ્યું કે, જો તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો અસદુદીન ઓવૈસીને હૈદરાબાદના નિઝામની જેમ શહેર છોડીને ભાગી જવું પડશે. યોગી આદિત્યનાથે રાજ્યમાં ચાર જાહેર સભાઓ સંબોધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેલંગાણામાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીએ વિકરાબાદ જિલ્લાના તંદુરમાં, સંગારેડ્ડી જિલ્લાના મુખ્યમથકમાં, બોડુપ્પલના એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં અને હૈદરાબાદના ગોશામહેલમાં જાહેરસભાઓ સંબોધી હતી. યોગીએ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પર આ ચૂંટણી સભાઓમાં નિશાન સાધ્યું હતું. યોગીએ જણાવ્યું કે, "જો તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો જેવી રીતે નિઝામને હૈદરાબાદ છોડીને ભાગવું પડ્યું હતું, એવી રીતે ઓવૈસીને પણ હૈદરાબાદ છોડવા મજબૂર બનવું પડશે."


યોગીએ જણાવ્યું કે, "હૈદરાબાદનો નિઝામ પાકિસ્તાન સમર્થક હતો. તે ભારતીય સંઘમાં હૈદરાબાદ રજવાડાને સામેલ કરવા માગતો ન હતો. તત્કાલિન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની કડકાઈને કારણે નિઝામને હૈદરાબાદ છોડીને ભાગી જવું પડ્યું હતું."



યોગીએ કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું કે, "કોંગ્રેસે સરદાર વલ્લભ ભાઈ પટેલનું સન્માન રાખ્યું નથી. ડો. ભીમરાવ આંબેડકરનું પણ અપમાન કર્યું છે. કોંગ્રેસમાં આંતરીક લોકશાહી ક્યાંય જોવા મળતી નથી. ત્યાં માત્ર ગાંધી પરિવારનો વ્યક્તિ જ ટોચ પર પહોંચી શકે છે. ભાજપમાં એવું નથી. અહીં ગરીબ પરિવારનો વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે. આંધ્રપ્રદેશમાં જન્મેલા વૈંકૈયા નાયડુ ભાજપમાં રહીને વરિષ્ઠ નેતા, કેન્દ્રીય મંત્રી બની શકે છે અને હવે ઉપરાષ્ટ્રપતિ છે." યોગીએ તેલંગાણામાં ભાજપની સરકાર બનવાનો આશય વ્યક્ત કર્યો હતો. 


આ ચૂંટણીમાં ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી (AIMIM) ભેગામળીને ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશન પાર્ટી (TDS)ની સાથે ભાગીદારીમાં ચૂંટણી લડી રહી છે.


ચંદ્રશેખર રાવ અનેક વખત મંચ પર AIMIMના મિત્રને બોલાવી ચૂક્યા છે. ઓવૈસી પણ TRSના સમર્થનમાં અનેક સભાઓ કરી ચૂક્યા છે. ઓવૈસીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "મને લાગે કે TRSની પાસે સત્તામાં પુનરાગમનની તક છે અને કેસીઆર ફરી એક વખત મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે." 


તેલંગાણાની 119 વિધાનસભા બેઠક પર 7 ડિસેમ્બરના રોજ રાજસ્થાનની સાથે-સાથે મતદાન થવાનું છે. 11 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે.