Qutub Minar: કુતુબ મિનાર કેસમાં દિલ્હીની સાકેત કોર્ટમાં આજે સુનાવણી પૂરી થઈ. હવે 9 જૂને કોર્ટ ચુકાદો આપશે. એએસઆઈ અને હિન્દુ પક્ષ બંનેએ પોત પોતાની દલીલો આજે રજૂ કરી. હિન્દુ પક્ષે કુતુબ મિનારમાં પૂજાની માંગણી અંગે દિલ્હીની સાકેત કોર્ટમાં અરજી દાખલ કરી છે જેના પર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)એ પોતાનો જવાબ આપ્યો છે. આ માંગણીનો એએસઆઈ દ્વારા વિરોધ કરાયો છે. કહ્યું કે કુતુબ મિનારની ઓળખ બદલી ન શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટમાં થઈ આ દલીલો
આજે કોર્ટમાં સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષને જજે પૂછ્યું હતું કે સ્મારકને પૂજા પાઠની જગ્યા બનાવી દેવાનું ઈચ્છો છો તો હિન્દુ પક્ષે જવાબ આપ્યોકે તેઓ સીમિત સ્તરે પૂજાની માંગણી કરી રહ્યા છે. મસ્જિદનો ઉલ્લેખ કરતા જજે કહ્યું કે જે મસ્જિદની વાત થાય છે તેનો ઉપયોગ હાલ થતો નથી. તે મસ્જિદની જગ્યાએ મંદિર બનાવવાની માગણી કેમ કરાઈ છે. તો હિન્દુ પક્ષે કહ્યું કે અનેક એવી સંરક્ષિત જગ્યાઓ છે જ્યાં પૂજા પાઠ થાય છે. કોર્ટે પણ સ્વીકારતા કહ્યું કે હા થાય છે પરંતુ તમે ત્યાં મંદિર બનાવવાની માંગણી કરો છો. 800 વર્ષ પહેલા મંદિર હતું તેને ફરીથી બનાવવાની કાયદાકીય માંગણી કેવી રીતે થઈ શકે? સાચી વાત એ છે કે ઈમારત 800 વર્ષ પહેલા જ અસ્તિત્વ ગુમાવી ચૂકી છે. 


આ દલીલ બાદ હિન્દુ પક્ષ તરફથી હરિશંકર જૈને જવાબ આપતા અયોધ્યા કેસનો દાખલો આપ્યો. તેમણે કહેવા મુજબ સુપ્રીમ કોર્ટે તે સમયે કહ્યું હતું કે દેવતાઓનું અસ્તિત્વ હંમેશા હોય છે. જે જમીન દેવતાની હોય છે તે જ્યાં સુધી તેમનું વિસર્જન ન થાય ત્યાં હંમેશા તેમની જ રહે છે. અયોધ્યાના ચુકાદામાં પાંચ જજની બેન્ચે આ સ્વીકાર્યું હતું. કોઈ દેવતાની મૂર્તિને નષ્ટ કરવામાંઆવે કે મંદિર તોડી નાખવામાં આવે તો પણ દેવતા તેમની દિવ્યતા અને પવિત્રતા ગુમાવતા નથી. એવું કહેવાયું છે કે ત્યાં હજુ પણ મહાવીર સ્વામી, દેવીઓ અને ગણેશ ભગવાનની તસવીરો છે. 


ત્યારબાદ કોર્ટે પૂછ્યું કે ત્યાં મૂર્તિઓ પણ છે? તો જૈને કહ્યું કે હા છે. કોર્ટે જ તેના સંરક્ષણ માટે કહ્યું હતું. એક લોખંડનો સ્તંભ છે જે પૂજા સંબંધિત છે. સ્તંભ પર સંસ્કૃતમાં લખાણ પણ છે. હિન્દુ પક્ષના વકીલના કહેવા મુજબ જો દેવતાઓનું અસ્તિત્વ હોય તો પૂજાનો હક પણ છે. જજે પછી કહ્યું કે દેવતા 800 વર્ષ સુધી પૂજા વગર ત્યાં છે તો તેમને  એમ રહેવા દેવામાં આવે. આ મામલો તમને ત્યાં પૂજાનો હક કે નહીં તેનો છે. જો ત્યાં મૂર્તિઓ છે તો પણ તેમને સંરક્ષિત કરવાનો આદેશ હતો. બીજી બાજુ જૈને કહ્યું કે જગ્યાને વિવાદિત ન કહેવાય કારણ કે છેલ્લા 800 વર્ષથી ત્યાં નમાજ પઢાઈ નથી. 


એએસઆઈએ રજૂ કર્યું સોગંદનામું
હવે આ અરજી પર એએસઆઈ દ્વારા કોર્ટમાં જવાબ દાખલ કરાયો છે. ASIના કહેવા મુજબ કુતુબ મિનારને 1914થી સંરક્ષિત સ્મારકનો દરજ્જો પ્રાપ્ત છે. તેની ઓળખ બદલી શકાય નહીં. સ્મારકમાં પૂજાની પણ મંજૂરી આપી શકાય નહીં. સંરક્ષિત થયું ત્યારથી અહીં ક્યારેય પૂજા કરવામાં આવી નથી. ASI એ એમ પણ કહ્યું કે હિન્દુ પક્ષની અરજી કાયદાકીય રીતે યોગ્ય નથી. આ મામલો જૂના મંદિરને તોડીને કુતુબ મિનાર પરિસર બનાવવવાના ઐતિહાસિક તથ્યનો પણ મામલો છે. કુતુબ મિનારમાં હાલ કોઈને પણ પૂજાનો હક નથી. જ્યારથી સંરક્ષિત કરાયું ત્યારથી કોઈ પૂજા નથી થઈ. આવામાં પૂજાની મંજૂરી આપી શકાય નહીં. એએસઆઈએ કહ્યું કે પૂરાતાત્વિક મહત્વ ધરાવતું સ્મારક છે જેના કારણે પૂજાની મંજૂરી ન આપી શકાય. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube