નવી દિલ્હીઃ રામ મંદિરના મુદ્દે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકીય ગલિયારાઓમાં હલચલ શરૂ થઈ ગઈ છે. કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણ મુદ્દે અમારી પાસે ત્રણ વિકલ્પ છે. પ્રથમ આ બાબતે કોર્ટનો ચૂકાદો વહેલો આવશે. બીજો, અમે આ મુદ્દાને વાટાઘાટોથી ઉકેલી લઈશું. આ ઉપરાંત અમારી પાસે ત્રીજો વિકલ્પ પણ છે. જો જરૂર પડી તો અમે સંસદના અંદર કાયદો બનાવીને મંદિરનું નિર્માણ કરાવીશું. તેના આ નિવેદન બાદ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓવૈસીએ જણાવ્યું કે, અયોધ્યાનો મુદ્દો જ્યારે સુપ્રીમ કોર્ટમાં પડતર છે ત્યારે તેમની પાસે આ બાબતે બોલવાનો કોઈ અધિકાર નથી. તેમનું આ નિવેદન ખરાબ જ નહીં પરંતુ નિરર્થક પણ છે. 



કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું કે, આ બાબતે બે વિકલ્પ છે. બંને સમાપ્ત થયા બાદ અમે ત્રીજા વિકલ્પ પર જઈશું. જો તેના પહેલા અમે ત્રીજા વિકલ્પ સુધી પહોંચીશું તો કોંગ્રેસ વિરોધ કરશે, કેમ કે તે કોર્ટમાં પણ અમારો વિરોધ કરી રહી છે. કોંગ્રેસ સંસદમાં પણ અમારો વિરોધ કરશે. અમે ઈચ્છીએ છીએ કે કોર્ટનો ચૂકાદો વહેલો આવી જાય કે પછી આંતરિક સમાધાન થઈ જાય. અમારી પાસે અત્યારે સંખ્યાબળ ઓછું છે. રામ મંદિર અમારી શ્રદ્ધાનો વિષય છે, આ કોઈ પોલિટિકલ સ્ટન્ટ નથી. અમારી પાસે ત્રીજો વિકલ્પ સંસદમાં કાયદો બનાવવાનો ઉપલબ્ધ છે. 


કેશવ પ્રસાદ મૌર્યએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ બાબતે સુપ્રીમમાં ઝડપથી ચૂકાદો આવશે. રામ મંદિરના નિર્માણમાં જે કોઈ વિઘ્નો છે, તે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે. ક્યાં તો આ બાબતે વહેલો ચૂકાદો આવશે અથવા તો પછી અમે વાટાઘાટો દ્વારા મુદ્દો ઉકેલી નાખીશું.