ચૂંટણીની પરિણામોને લઈને વડાપ્રધાન મોદીએ બોલાવી ભાજપ કોર ગ્રુપની બેઠક
આજે સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ચૂંટણીના પરિણામોને લઈને વડાપ્રધાન મોદીએ ભાજપ કોર ગ્રુપની બેઠક બોલાવી છે.
નવી દિલ્હીઃ આજે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યાં છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગણા અને મિઝોરમમાં મતગણતરી ચાલી રહી છે. શરૂઆતી ટ્રેન્ડ ભારતીય જનતા પાર્ટી માટે ચોંકાવનારા લાગી રહ્યાં છે. રાજસ્થાનમાં કોંગ્રેસે ટ્રેન્ડ પ્રમાણે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. તો છત્તીસગઢમાં પણ ભારતીય જનતા પાર્ટી 15 વર્ષ બાદ સત્તા ગુમાવતી દેખાઈ રહી છે. મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. આજે સંસદનું સત્ર પણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ પરિણામોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કોર ગ્રુપની બેઠક બોલાવી છે. સંસદ ભવનમાં આ બેઠક મળવાની છે.
મિઝોરમમાં પણ ભાજપને આશા હતી કે તે સત્તામાં ભાગીદારી કરી શકશે, પરંતુ અહીંથી પણ પાર્ટીનો કોઈ સારા સમાચાર મળ્યા નથી. ભાજપ માટે સૌથી મોટો ઝટકો છત્તીસગઢ માનવામાં આવી રહ્યો છે. અહીં છેલ્લા 15 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ ખુરશી ગુમાવી રહી છે.
તેવામાં આ કોર ગ્રુપની બેઠકનો મુખ્ય એજન્ડા વિધાનસભા ચૂંટણીના પરિણામો હશે. આ પરિણામોની અસર દેશની રાજનીતિ પર પડશે. સંસદનું શિયાળુ સત્ર પણ શરૂ થઈ ગયું છે. આશરે અઢી મહિના બાદ સંભવતઃ લોકસભા ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે. તેવામાં આ ચૂંટણીના પરિણામ પર અસર કરી શકે છે.