સનાતન સંસ્થાની તહેવારોથી પહેલા મુંબઈ સહિત 5 શહેરોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટની તૈયારી હતી, મહારાષ્ટ્ર એટીએસનો ધડાકો
થોડા દિવસ પહેલાં જે સનાતન સંસ્થાના લોકો હથિયારો અને દારૂગોળા સાથે પકડાયા હતા, તેમણે મુંબઈ, પુણે, સતારા, સોલાપુર અને સાંગલીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટની યોજના બનાવી હતી
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં થોડા દિવસો અગાઉ જે સનાતન સંસ્થાના લોકો હથિયારો અને દારૂગોળા સાથે પકડાયા હતા, તેઓ મુંબઈ, પુણે, સતારા, સોલાપુર અને સાંગલીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટનું આયોજન કરી રહ્યા હતા. મહારાષ્ટ્ર ATS દ્વારા નવું ડોઝિયર તૈયાર કરાયું છે, જેમાં આ દાવો કરવામાં આવ્યો છે.
એટીએસે જણાવ્યું કે, દક્ષિણપંથી સંગઠન સનાતન સંસ્થાના સભ્યો રાજ્યમાં તહેવારોથી પહેલાં અનેક સ્થળે વિસ્ફોટનું કાવતરૂં ઘડી રહ્યા હતા. આ અગાઉ એટીએસ કેન્દ્ર સરકારને આ દક્ષિણપંથી સંગઠન પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ મોકલી ચુક્યું છે. પકડવામાં આવેલા સભ્યો પાસેથી મળેલી માહિતીને આધારે મહારાષ્ટ્ર એટીએસ દ્વારા નવું ડોઝિયર તૈયાર કરાયું છે.
શનિવારે એટીએસે પકડ્યો 5મો આરોપી
એટીએસે શનિવારે આ કેસમાં 5મા આરોપીની ધરપકડ કરી છે. અવિનાશ પવાર નામનો આ વય્ક્તિ મુંબઈના ઘાટકોપરમાં રહે છે. 30 વર્ષનો અવિનાશ શ્રી શિવપ્રતિષ્ઠાન હિન્દુસ્તાન સાથે જોડાયેલો છે. આ અગાઉ એટીએસ વૈભવ રાઉત, સુધાનવ ગોંધાલેકર, શરદ કાલાસ્કર અને શવિસેનાના પૂર્વ કોર્પોરેટર શ્રીકાંત પંગારકરની ધરપકડ કરી ચૂકી છે.
એક અન્ય અધિકારીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, ગોંધલેકરની પુછપરછમાં પવારનું નામ બહાર આવ્યું હતું. કેમ કે બંને એક જ સંસ્થા સાથે જોડાયેલા છે. પવારને પુછપરછ માટે બોલાવાયો હતો, ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. તેણે તપાસમાં સહયોગ આપવાનો ઈનકાર કર્યો હતો. પવારના પરિવારે જણાવ્યું કે, તે શિવભક્ત છે, આતંકવાદી નહીં.
કેન્દ્ર લગાવી શકે છે સનાતન સંસ્થા પર પ્રતિબંધ
એટીએસના અધિકારીએ જણાવ્યું કે, આ ધરપકડની સાથે જ સંસ્થા સામેનો કેસ વધુ મજબૂત થઈ ગયો છે. જોકે, ગોવા ખાતેના સંગઠન અને આ 5 આરોપીઓ વચ્ચે કોઈ સીધો સંપર્ક હોવાના કોઈ પાકા પુરાવા મળ્યા નથી. પરંતુ સોશિયલ મીડિયા, ઈમેલ, કોલ ડાટા રેકોર્ડ, બેન્ક એકાઉન્ટ્સ અને અન્ય સંબંધિત દસ્તાવેજોથી લિન્ક સ્થાપિત થઈ જશે.
એટીએસે આ લોકોને અનલોફૂલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ (UAPA) અંતર્ગત અટકમાં લીધા છે. મહારાષ્ટ્ર સરકારે 2011 અને 2015માં બે પ્રસ્તાવ મોકલ્યા હતા, જેમાં સનાતન સંસ્થા પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરાઈ હતી. રાજ્ય સરકારની ભલામણ પર કેન્દ્ર સરકાર આ દક્ષિણપંથી સંગઠન પર પ્રતિબંધ લગાવી શકે છે. ત્યાર બાદ એ બાબત સાબિત થઈ જશે કે, આ સંગઠન આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું છે. તે રાજ્ય સરકાર વિરુદ્ધ કાવતરા ઘડી રહ્યું છે.
અત્યાર સુધી 16 લોકોની પુછપરછ
એટીએસે આ બાબતે ઓછામાં ઓછા 16 લોકોની પુછપરછ કરી છે. એટીએસના અધિકારીએ જણાવ્યું કે, એટીએસે રાઉતના ઘરમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી હતી. પુણેમાં ગોંધાલેકર દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, દરોડા દરમિયાન મેગઝીનની સાથે 11 દેશી તમંચા, એક એરગન, પિસ્તોલની દસ નળી, છ પિસ્તોલ મેગઝીન, આંશિક રૂપે બનેલી છ પિસ્તોલ, આંસિક રૂપે બનેલા ત્રણ મેગઝીન અને હથિયારના અનેક ભાગ મળી આવ્યા હતા.
બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી હતી
આ ઉપરાંત બોમ્બ બનાવવાની સામગ્રી, વાહોનોની છ નંબર પ્લેટ, સીડી, પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, હેન્ડબુક અને બોમ્બ બનાવવા સંબંધિત અન્ય સંબંધિત સાહિત્ય પણ તેના ઘરેથી મળ્યું હતું. તપાસ કરતાઓને શંકા છે કે આ સમગ્રીનો ઉપયોગ આઈઈડી બનાવવા માટે કરવાનો હતો.