નવી દિલ્હી : અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે 10મા દિવસે સુનાવણી ચાલુ રાખી છે. આ કેસમાં અરજીકર્તા ગોપાલ સિંહ વિશારદ તરફના વરિષ્ઠ વકીલ રંજીત કુમારે કહ્યું કે, હું શ્રીરામનો ઉપાસક છું અને મને જન્મસ્થળ પર ઉપાસના કરવાનો અધિકાર છે. આ અધિકાર મારાથી છિનવી શકાય નહીં. તેમણે 80 વર્ષના અબ્દુલ ગનીના સાક્ષી તરીકેના નિવેદનને ટાંકતા કહ્યું કે, ગનીએ કહ્યું હતું કે, બાબરી મસ્જિદ રામ જન્મસ્થાન પર બન્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટિશ રાજમાં મસ્જિદમાં માત્ર જુમ્માની જ નમાજ અદા થતી હતી. હિન્દુ ત્યાં પૂજા કરવા આવતા હતા. રંજીત કુમારે કહ્યું કે, મસ્જિદ તૂટતાં મુસ્લિમોએ નમાજ અદા કરવાનું બંધ કર્યું પરંતુ હિન્દુઓએ જન્મ સ્થળ પર પૂજા ચાલું રાખી છે. આ અગાઉ બુધવારે રામલલા વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથને પોતાની દલીલો પૂર્ણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વિવાદીત ભૂમિ પર મંદિર હોય કે ન હોય, મૂર્તિ હોય કે ન હોય પરંતુ લોકોની ભાવના હોય એ જ પુરતું છે. આ સાબિત કરવા માટે પુરતું છે કે આ જ રામજન્મ સ્થાન છે.


રામલલાના વકીલે કહ્યું હતું કે, મંદિરમાં બિરાજમાન રામલલા કાયદાકીય રીતે સગીર છે. સગીરની સંપત્તિ કોઇને આપવાની કે વહેંચવાનો કોઇ નિર્ણય કરી ન શકાય. હજારો વર્ષોથી લોકો જન્મસ્થાનની પૂજા કરી રહ્યા છે. આ આસ્થાને સુપ્રીમ કોર્ટે માન્યતા આપવી જોઇએ. તેમણે કહ્યું કે, 1949માં વિવાદીત ઇમારતમાં રામલલાની મૂર્તિ મળ્યા બાદ 12 વર્ષ સુધી બીજો પક્ષ નિષ્ક્રિય બેઠો રહ્યો હતો. એમને કાયદાકીય દાવો કરવાનો કોઇ હક નથી. કોર્ટ જન્મ સ્થાનને લઇને હજારો વર્ષ સુધી ચાલી આવતી હિન્દુ આસ્થાની પરંપરાને મહત્વ આપવામાં આવે.