રામ મંદિરના બાંધકામની ગતિમાં વધારો, મંદિરના ભૂતળનું કામ ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ જશે
હવે એ સમય દૂર નથી, જ્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સર્જન પૂર્ણ થશે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપી બની રહ્યું છે.
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ મંદિર નિર્માણનું કાર્ય ઝડપી બની રહ્યું છે. જાન્યુઆરીમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે આ વર્ષના અંત સુધીમાં મંદિર મોટા ભાગનું કામ પૂર્ણ કરી દેવાશે. મંદિર ટ્રસ્ટે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ સહિતની વિગતો જાહેર કરી છે. શું છે આ વિગતો અને મંદિર નિર્માણની વર્તમાન સ્થિતિ, જોઈએ આ અહેવાલમાં...
22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થાય તેવી પ્રબળ શક્યતા છે, આ માટે 15થી 24 જાન્યુઆરી સુધી મંદિર પરિસરમાં વિશેષ અનુષ્ઠાન યોજાશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પ્રધાનમંત્રીને આમંત્રણ પણ મોકલી દીધું છે.
રામ મંદિર ટ્રસ્ટનું આયોજન છે કે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ 24 જાન્યુઆરીથી મંદિરને લોકો માટે ખોલી દેવાય. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે 10 હજાર જેટલાં આમંત્રિતની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં સાધુ સંતો ઉપરાંત રામ મંદિર આંદોલન સાથે જોડાયેલાં લોકોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ ખાલિસ્તાન-ગેંગસ્ટર્સના નેટવર્ક પર NIAની મોટી કાર્યવાહી, 7 રાજ્યોમાં 53 જગ્યાએ દરોડા
આ સમયને આડે હવે ત્રણેક મહિના બાકી રહ્યા છે, ત્યારે મંદિરનું નિર્માણકાર્ય પૂરજોરથી ચાલી રહ્યુ છે. મંદિરના ભૂતળનું કામ આયોજન પ્રમાણે ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ જશે.
મંદિરનું નિર્માણકાર્ય એવી રીતે થઈ રહ્યું છે, કે આગામી એક હજાર વર્ષ સુધી અડીખમ રહે. મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. પથ્થરોને જોડવા માટે લોખંડની જગ્યાએ તાંબાનો ઉપયોગ કરાયો છે. મંદિર પરિસરના નિર્માણ પાછળ અંદાજે 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેમાંથી અત્યાર સુધી 900 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે.
મંદિરના મુખ્ય ભાગ પર નજર કરીએ તો મંદિરના ગર્ભગૃહમાં તૈયાર થનારા ચબૂરતા પર રામલલાની મૂર્તિને સ્થાપિત કરવામાં આવશે. રામલલાની મૂર્તિ 51 ઈંચ ઉંચી હશે. એક સાથે 3 પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
તાજેતરમાં જ મંદિર પરિસરમાં ખોદકામ દરમિયાન કેટલીક પ્રાચીન કલાકૃતિઓ મળી હતી. આ મૂર્તિઓ એ વાતની સાબિતી છે કે ભૂતકાળમાં આ જગ્યાએ મંદિર હતું. આ મૂર્તિઓ તેમજ અન્ય શિલ્પોને મંદિર પરિસરમાં જ સાચવીને મૂકાઈ છે. આ સ્થાપત્યોને મંદિર પરિસરમાં તૈયાર થનારા મ્યુઝિયમમાં મૂકવામાં આવશે.
આ પણ વાંચોઃ રાજનીતિના આ આંકડાઓનું ગણિત ગુજરાતના ગૌરવ નરેન્દ્ર મોદીને ત્રીજીવાર બનાવશે ભારતના PM
આમ તો રામ મંદિરનું નિર્માણ અઢી એકરમાં થઈ રહ્યું છે, જો કે પરિક્રમા પથની સાથે સમગ્ર મંદિર પરિસર આઠ એકરમાં ફેલાયેલું છે. ત્રણ માળના મંદિરની ઉંચાઈ 162 ફૂટ હશે. મંદિરમાં કુલ 393 પિલ્લર અને 12 દ્વાર હશે. મંદિર પરિસરમાં રામ મંદિર ઉપરાંત અન્ય છ મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે.
રામ મંદિર ટ્રસ્ટ મંદિરમાં એક એવી વ્યવસ્થા પણ કરી રહ્યું છે, જે અન્ય કોઈ મંદિરમાં નથી. દર વર્ષે રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો શ્રીરામની મૂર્તિ પર પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે એક કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ તૈયાર કરવામાં આવશે. એક નાનું ઉપકરણ મંદિરના શિખર પર લગાવવામાં આવશે. સૂર્યના કિરણો આ ઉપકરણના માધ્યમથી રિફલેક્ટ થઈને ભગવાન રામની મૂર્તિના લલાટ સુધી પહોંચશે. આ ઉપકરણ નિષ્ણાતોના નિરીક્ષણમાં બેંગલુરુમાં તૈયાર થઈ રહ્યું છે. તેની ડિઝાઈન રુડકીની સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ અને પૂણેની એસ્ટ્રોનોમિકલ સંસ્થાએ મળીને તૈયાર કરી છે. આ વ્યવસ્થા રામ મંદિરને વધુ અનોખું બનાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube