લખનઉ: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અપાયેલા નિવેદન પર વિવાદ શરૂ થઈ ગયો છે. અયોધ્યાના સંતોએ તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે રામલલા સત્તા આપે પણ છે અને સત્તા છીનવી પણ લે છે. 2019માં સત્તા ભાજપને મળવાની નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે શનિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક કાર્યક્રમમાં રામમંદિર નિર્માણ સંબંધિત એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જે કાર્ય થવાનું છે તે થઈને જ રહેશે. તેને કોઈ ટાળી શકશે નહીં. નિયતિએ જે નક્કી કર્યુ છે તે થઈને જ રહેશે. 


કાચિંડાની જેમ રંગ બદલવો તે ભગવાન રામ સાથે દગો
રવિવારે અયોધ્યાના સંતોએ મુખ્યમંત્રીના આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી. શ્રી રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સતેન્દ્ર દાસે કહ્યું કે ભગવાન રામે ભાજપને બે સાંસદોથી લઈને સત્તા સુધી પહોંચાડ્યાં. આ જ નેતા સત્તામાં આવ્યાં બાદ અયોધ્યા આવીને ભાષા બદલી લે છે. તેમણે કહ્યું કે કાચિંડાની જેમ ભાષા અને સ્વરૂપ બદલવું એ ભગવાન રામ સાથે દગો છે. 


આચાર્ય સતેન્દ્ર દાસે ભાજપ પર નિશાન સાંધતા સવાલ પૂછ્યો કે તમારા ઘોષણા પત્રમાં રામ મંદિર હતું. તેનું શું થશે. રામલલા સત્તા આપે છે અને છીનવી પણ લે છે. 2019ની સત્તા ભાજપને મળવાની નથી. 


રામ મંદિર નિર્માણ કરાવવું  એ પીએમ-સીએમનું કર્તવ્ય
અયોધ્યા તપસ્વી છાવણીના મહંત સ્વામી પરમહંસે કહ્યું કે સીએમ યોગી આદિત્યનાથનું નિવેદન અનુચિત છે. ભગવાન રામની કૃપાથી ભાજપ સત્તામાં આવ્યો. નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનું કર્તવ્ય છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવે. કેન્દ્ર અને રાજ્ય સરકારે બેજવાબદારીભર્યા નિવેદન આપવા જોઈએ નહીં. જો આમ ન થયું તો તેઓ એક ઓક્ટોબરથી આમરણઆંત ઉપવાસ કરશે. 


પક્ષકારે કર્યું યોગીનું સમર્થન
બીજી બાજુ અયોધ્યા બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે લોકો અનહોનીવાળા કામને ભગવાન અને અલ્લાહ પર છોડી દે છે. અયોધ્યાનો મામલો કોર્ટમાં છે. ચુકાદો કોર્ટે કરવાનો છે. અલ્લાહ અને ભગવાન ઈચ્છશે ત્યારે ફેસલો થઈ જશે. ભલે મંદિર બને કે મસ્જિદ સીએમ યોગી આદિત્યનાથે જે કહ્યું તે યોગ્ય કહ્યું. તેઓ સંત છે અને તેમને ભગવાન પર વિશ્વાસ છે. 


બધી રીતે તૈયાર- મહંત કમલનયન
શ્રી રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ સભ્ય મહંત કમલનયન દાસે પણ સીએમ યોગીના નિવેદનનું સમર્થન કર્યુ છે. મહંત કમલનયન દાસનું કહેવું છે કે સીએમ યોગી આદિત્યનાથના મનમાં રામ જન્મભૂમિને લઈને ખુબ પીડા છે. તેઓ ઈચ્છે છે કે રામ મંદિર બને. સંત સમાજને ખાતરી છે કે ઓક્ટોબર સુધી સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી દેશે. ઓક્ટોબર સુધીમાં ચુકાદો ન આવ્યો તો સંત મહાત્મા હિંદુ સમાજ બધી રીતે રામ મંદિર માટે તૈયાર છે. 


ઓક્ટોબર બાદ રામ મંદિરને લઈને કેટલીક જાહેરાત પણ થઈ શકે છે. રામ મંદિરને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી. 2019ની ચૂંટણી પહેલા જ રામ મંદિરની જાહેરાત થઈ શકે છે. મહંત કમલનયન દાસ શ્રી રામ જન્મભૂમિ ન્યાસ અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસના ઉત્તરાધિકારી પણ છે.