પ્રયાગરાજઃ વર્ષ 2005માં અયોધ્યા સ્થિત રામજન્મુભમિ પરિસરમાં થયેલા એક વિસ્ફોટના કેસમાં કોર્ટે 4 દોષિતને જન્મટીપની સજા ફટકારી છે. સાથે જ પ્રયાગરાજની સ્પેશિયલ કોર્ટ દ્વારા એક આરોપી મોહમ્મદ અઝીઝને નિર્દોષ જાહેર કરાયો છે. 11 જુનના રોજ આ કેસની સુનાવણી પુરી થઈ હતી અને કોર્ટે 18 જુનના રોજ ચૂકાદાની તારીખ આપી હતી. કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા પછી પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 જુલાઈ, 2005માં સવારે 9.15 કલાકે રામજન્મભુમિ પરિસરમાં આતંકવાદી હુમલો થયો હતો, ફરિયાદી પીએસી કૃષ્ણચંદે બપોરે બે કલાકે રામ જન્મભુમિ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. 5 આતંકવાદી દ્વારા રામજન્મભુમિ પરિસરમાં વિસ્ફોટની ઘટનાને અંજામ અપાયો હતો. જેમનો ઈરાદો બાબરી મસ્જિત વિધ્વંસનો બદલો લેવા માટે રામલલ્લા મંદિરને ધ્વસ્ત કરવાનો હતો. 


પોલીસ દ્વારા લગાવાયેલા આરોપોમાં આતંકવાદીઓ પર બે સંપ્રદાય વચ્ચે દુશ્મનાવટ પેદા કરવા અને સાંપ્રદાયિક સોહાર્દને દૂર કરવા, એક વિશેષ સંપ્રદાયની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા જેવી કલમો લગાડવામાં આવી હતી. હુમલો કરનારા આરોપીઓએ રામલલ્લા પરિસરની બેરિકેડને વિસ્ફોટથી ઉડાવી દીધી હતી. સુરક્ષામાં તૈનાત સુરક્ષા દળોએ પાંચેય આતંકવાદીઓને ઘટનાસ્થળે જ ઠાર માર્યા હતા. આ ઘટનામાં બે નાગરિકોનાં મોત થયા હતા અને 7 ગંભીર રીતે ઘાયલ થયા હતા. 


મૃત આતંકી પાસેથી મળેલા મોબાઈલ ફોનના સિમકાર્ડની તપાસ પછી કાવતરું ઘડવા અને આતંકવાદીઓને સંસાધન ઉપલબ્ધ કરાવનારા આરોપી આશિક ઈક્બાલ ઉર્ફે ફારૂક, મોહમ્મદ નસીમ, મોહમ્મદ અઝીઝ, શકીલ અહેમદ અને ડો. ઈરફાનની ધરપકડ કરાઈ હતી. પોલીસે તેમની સામે આરોપપત્ર દાખલ કર્યું હતું. 


પાંચેય આરોપી નૈની જેલમાં કેદ છે અને સુરક્ષાના કારણોસર જેલ પરિસરમાં જ સુનાવણી ચાલી રહી છે. ફરિયાદી પક્ષ તરફથી કુલ 63 સાક્ષીને કોર્ટમાં રજૂ કરાયા હતા. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....