અંગ્રેજોને 40 વર્ષ ઝૂકીને સલામ કરનારા કરી રહ્યાં છે `પદ્માવતી`નો વિરોધ-આઝમ ખાનનો કટાક્ષ
સંજય લીલા ભણસાણીની ફિલ્મ પદ્માવતીને લઈને ચાલી રહેલા વિવાદમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પણ કૂદી પડ્યા છે. યુપીમાં નગર નિગમની ચૂંટણીઓના પ્રચાર દરમિયાન રામપુરમાં આઝમ ખાને ફિલ્મ વિરુદ્ધ પ્રદર્શન કરનારા લોકો પર આકરા પ્રહારો કર્યા અને કટાક્ષ પણ કર્યાં.
નવી દિલ્હી: સંજય લીલા ભણસાણીની ફિલ્મ પદ્માવતીને લઈને ચાલી રહેલા વિવાદમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પણ કૂદી પડ્યા છે. યુપીમાં નગર નિગમની ચૂંટણીઓના પ્રચાર દરમિયાન રામપુરમાં આઝમ ખાને ફિલ્મ વિરુદ્ધ પ્રદર્શન કરનારા લોકો પર આકરા પ્રહારો કર્યા અને કટાક્ષ પણ કર્યાં. યુપીના પૂર્વ મંત્રીએ ફિલ્મ મુઘલ એ આઝમ અંગે પણ ઉલ્લેખ કર્યો. રામપુરમાં ચૂંટણી સભા દરમિયાન પદ્માવતીના વિવાદ પર બોલતા આઝમ ખાને કહ્યું કે 'આ કેવી રાજગીરી છે, એક ફિલ્મમાં ડાન્સ કરનારા 'ડાન્સર'થી ડરી ગયાં'
આઝમ ખાને કહ્યું કે મોટી મોટી પાઘડીઓ લગાવીને ફિલ્મોનો વિરોધ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે આજે જે લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે તેઓ કાલ સુધી અંગ્રેજોનો સામાન ઉઠાવતા હતાં. અંગ્રેજોના સન્માનમાં ઝૂકીને 40 સલામ કરતા હતાં. આઝમ ખાને કહ્યું કે ફિલ્મોની મજા લેવી જોઈએ. મુઘલ એ આઝમ ફિલ્મનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે હિન્દુસ્તાનની એક મશહૂર ફિલ્મ મુઘલ એ આઝમ બની હતી. આ ફિલ્મમાં અનારકલીને સલીમની મહેબૂબા બતાવવામાં આવી હતી.
પરંતુ હકીકતમાં આવી કોઈ વાર્તા નથી. ઈતિહાસ સાથે તેને કોઈ લેવાદેવા નથી. એવું સાંભળીએ છીએ કે અનારકલી નામની કોઈ તવાયફ લાહોરમાં રહેતી હતી. ફિલ્મમાં પિતા પુત્રનો મુકાબલો દર્શાવવામાં આવ્યો હતો. કોઈ મુસલમાને તેનો વિરોધ કર્યો નહીં કારણ કે તે એક કહાની હતી. મુસલમાનોનું હ્રદય આટલું નાનુ નહતું કે ફિલ્મ તેમના ઈતિહાસને ખરાબ કરી દેત.
અત્રે જણાવવાનું કે ફિલ્મ પદ્માવતીના વિરોધને લઈને જારી વિરોધ પ્રદર્શનને જ્યાં કેટલાક લોકો સાચો સાબિત કરી રહ્યાં છે ત્યાં કેટલાક લોકો એવા પણ છે કે જે ફિલ્મ જોયા વગર જ કોઈ પણ પ્રકારના વિરોધને સમર્થન આપી રહ્યાં છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, યુપી અને પંજાબની સરકારોએ ફિલ્મને રીલિઝ નહીં થવા દેવાનું એલાન કર્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધના પગલે આ સરકારોએ આવું પગલું ભર્યુ છે. આ રાજ્યની સરકારોનું કહેવું છે કે જો ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી હશે તો ફિલ્મને રીલિઝ થવા દેવાશે નહીં. જો કે એ પણ સાચુ છે કે આ તમામ રાજ્યોની સરકારોના પ્રતિનિધિઓએ ફિલ્મને જોઈ નથી.
ફિલ્મ જોયા વગર જ ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડનો આરોપ લગાવીને ક્ષત્રિય મહાસભાના અનેક નેતાઓએ ફિલ્મના કલાકારો અને નિર્દેશકની હત્યા કરવા માટે ઈનામ સુદ્ધા જાહેર કર્યા છે. સેન્સર બોર્ડથી પહેલા ફિલ્મને કેટલાક સંપાદકોને બતાવવામાં આી જેનાથી સેન્સર બોર્ડ નારાજ છે. કારણ કે ફિલ્મ હજુ સુધી સેન્સર દ્વારા પાસ કરાઈ નથી. હોબાળાના પગલે ફિલ્મની રીલિઝને ટાળી દેવાઈ છે. એક ડિસેમ્બરે રીલિઝ થનારી આ ફિલ્મ હવે ક્યારે રીલિઝ થશે તેની તારીખ નક્કી થઈ નથી.