મુંબઈઃ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમના હીટ ગેમ શો "કૌન બનેગા કરોડપતિ"ની 10મી સિઝનનું શૂટિંગ શરૂ કર્યું છે. 75 વર્ષિય સુપરસ્ટારે પોતાના બ્લોગમાં વર્ષ 2002માં તેમણે જ્યારે આ શોની શરૂઆત કરી હતી એ દિવસોને યાદ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બચ્ચને લખ્યું કે, "કેબીસીના શૂટિંગનો પ્રથમ દિવસ... અને એક જાતનો ભય અને નર્વસનેસને કારણે પરસેવો છૂટી રહ્યો હતો...આજે ભારતમાં કેબીસીને 18 વર્ષ થઈ ગયા છે... હવે 10મી સિઝન શરૂ થઈ રહી છે... મારી સાથે સંકળાયેલા અસંખ્ય લોકો જોડાયેલા છે.... તેમને કદાચ આશ્ચર્ય થતું હશે પરંતુ આજે આ શો નવા મુકામે પહોંચ્યો છે..."


બચ્ચને વધુમાં લખ્યું કે, "લોકેશન, સ્ટેજ, મીટિંગ્સ, રેફરન્સિસ અને મને આપવામાં આવતી જાત-જાતની સુચનાઓ... એક નવા જ પ્રકારનો માહોલ હતો... એટલી મોટી સંખ્યામાં નવી-નવી અને ક્રિએટિવ માહિતી મળતી હતી કે તેમાંથી એક નાનામાં નાના સલાહ-સુચનને અવગણવું પણ અઘરું લાગતું હતું."


પીઢ અભિનેતાએ જણાવ્યું કે, શો માટે શૂટિંગ ખૂબ જ 'ભયાવહ' અને 'અત્યંત અઘરું' કાર્ય લાગતું હતું, પરંતુ દર્શકોના સતત સમર્થનને કારણે જ હું આ કરી શક્યો છું અને કદાચ આજે 18 વર્ષ બાદ પણ હું તેની સાથે સંકળાયેલો છું તેનું આ જ રહસ્ય છે.  


બચ્ચને જણાવ્યું કે, "આપણાં દેશની ધરતીના જુદા-જુદા શહેરો-ગામડાઓમાંથી આવેલા લોકોને મળવું, તેમની સંઘર્ષ કથા સાંભળવી અને તેમના કપરા સમય અંગે જાણવું.... તેમ છતાં તેમણે મેળવી સિદ્ધિઓ અને તેમણે ભોગવેલી પીડા.... બધું જ અવનવું રહ્યું.... અહીં આવીને મને ઘણો જ આત્મસંતોષ પ્રાપ્ત થયો... જીવનમાં પરિવર્તન આવતા રહે છે અને કેબીસી જ્યારે લોકોને તેમનાં જીવનમાં એક નવા મુકામે પહોંચાડવાનું માધ્યમ બને છે ત્યારે આ શોની કિંમત સમજાય છે."


"અમે અન્ય લોકોના ફાયદા માટે જ્યારે એક શો ચલાવીએ છીએ ત્યારે એક પ્રકારનો ગર્વ અનુભવાય છે. તેમાં પણ જ્યારે વિજેતાના ચહેરા પર અનેરો આનંદ છલકાતો હોય છે, હોટ સીટ પર બેસવાની તક મળવાની જે ખુશી સ્પર્ધકના ચહેરા પર હોય છે તે જોઈને અમારું કામ લેખે લાગ્યું હોવાનો સંતોષ થાય છે."