ગુજરાતના આ મંદિરનું આખરે શું છે રહસ્ય? શ્વાન અચાનક આરતી સમયે આવી જાય છે અને....
ગુજરાતમાં આમ તો અનેક મંદિરો તેના ઐતિહાસિક મહત્વના કારણે પ્રખ્યાત છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી 12 કિલોમીટર જેટલું દૂર આવેલું બાલારામ મહાદેવનું મંદિર પણ તેના ઐતિહાસિક મહત્વના લીધે જાણીતુ છે. આ મંદિર વિશે એવું કહેવાય છે કે તે મહાભારત કાળનું અને 5000 વર્ષ જેટલું જૂનું છે
ગુજરાતમાં આમ તો અનેક મંદિરો તેના ઐતિહાસિક મહત્વના કારણે પ્રખ્યાત છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી 12 કિલોમીટર જેટલું દૂર આવેલું બાલારામ મહાદેવનું મંદિર પણ તેના ઐતિહાસિક મહત્વના લીધે જાણીતુ છે. આ મંદિર વિશે એવું કહેવાય છે કે તે મહાભારત કાળનું અને 5000 વર્ષ જેટલું જૂનું છે. એવું પણ કહેવાય છે કે પાંડવો આ સ્થળે થોડા સમય માટે રોકાયા હતા. મંદિર તેના કુદરતી સૌંદર્ય માટે પણ ખુબ જાણીતુ છે જ્યાં લીલીછમ હરિયાળી છે અને બાજુમાં નાનકડી વહેતી નદી છે. આ મંદિર વિશે એક એવું પણ રહસ્ય જોડાયેલું છે જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.
આ મંદિરમાં આવતા ભક્તો જે અનુભવે છે તે મુજબ આ મંદિરમાં શ્વાનનું અલગ જ વર્તન જોવા મળે છે. શ્વાન અહીં આવીને ભક્તિમાં લીન થઈ જાય છે. મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે સાંજની આરતી થાય છે અને શંખ વગાડવામાં આવે છે ત્યારે અચાનક ત્યાં શ્વાન આવી જાય છે અને અનોખા અંદાજમાં ભસવા લાગે છે અને શિવજીની ભક્તિમાં લીન થાય છે.
નવાઈની વાત એ છે કે દિવસ દરમિયાન મંદિરની આજુબાજુ કૂતરા ફરકતા પણ નથી પરંતુ સાંજે આરતી સમયે ત્યાં આવી જાય છે. મંદિરમાં જો ભીડ હોય તો શ્વાન દૂરથી ભસતા હોય છે. જ્યારે બહુ કોઈ મંદિરમાં ન હોય તો આ શ્વાન મંદિર સુધી પહોંચી જતા હોય છે. મીડિયા રિપોર્ટમાં મંદિરના પૂજારીનો ઉલ્લેખ કરીને કહેવાયું છે કે આ એક ચમત્કાર છે. આ બલરામ મંદિર વન વિસ્તારમાં આવેલું છે. શિવ બધાના છે, શિવ માનવ રાક્ષસ બધામાં પૂજનીય છે. આરતીમાં શ્વાન ભૈરવનું સ્વરૂપ ધારણ કરીને આવે છે અને પોતાના અનોખા અંદાજથી આરતીમાં સામેલ થાય છે. આ પરંપરા વર્ષોથી ચાલે છે. કૂતરા આવું કેમ કરે છે તેનું રહસ્ય જાણવું અઘરું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube