નવી દિલ્હીઃ આ મહિનાના અંતમાં તમારે રોકડ રકમની અછતનો સામનો કરવો પડી શકે છે. દેશના ચાર બેન્ક યુનિયન(Bank Unions) દ્વારા 2 દિવસની બેન્ક હડતાળ (Bank Strike)ની જાહેરાત કરવામાં આવી છે. બેન્ક અધિકારીઓના 4 સંગઠન દ્વારા 26 સપ્ટેમ્બરથી બે દિવસની હડતાળ પર ઉતરવાની જાહેરાત કરાઈ છે. આ યુનિયન કેન્દ્રીય બેન્કોના વિલયનો વિરોધ અને 11મો પગાર ધોરણ કરાર લાગુ કરવાની માગ સાથે હડતાળ પાડી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

26 અને 27 સપ્ટેમ્બરના રોજ બેન્કની હડતાળ છે અને ત્યાર પછી 28 અને 29 સપ્ટેમ્બરે શનિવાર અને રવિવાર હોવાના કારણે બેન્ક બંધ રહેશે. આમ, મહિનાના આખરી દિવસોમાં સળંગ ચાર દિવસ સુધી બેન્કો બંધ રહેવાની હોવાના કારણે તમારે નાણાની સમસ્યાનો સામનો કરવો ન પડે તેના માટે આગોતરું આયોજન કરી રાખવું પડશે. 


બેન્ક અધિકારીઓના યુનિયનોએ ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશન(IBA)ને નોટિસ મોકલીને હડતાળ પર ઉતરવાની જાણ કરી છે. બેન્ક યુનિયને એમ પણ જણાવ્યું છે કે, નવેમ્બરના બીજા અઠવાડિયાથી નેશનલ બેન્કના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર પણ ઉતરી શકે છે. 


કયા યુનિયને આપી જાહેરાત 
1. ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશન (AIBOC)
2. ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન (AIBOA)
3. ઈન્ડિયન નેશનલ બેન્ક ઓફિસર્સ કોંગ્રેસ (INBOC)
4. નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેન્ક ઓફિસર્સ(NOBO)


બેન્ક કર્મચારીઓની માગણીઓ


  • 5 દિવસનો કાર્ય સપ્તાહ કરવો

  • રોકડ લેણદણના કામના કલાકો ઘટાડવા

  • બહારની એજન્સીઓનો હસ્તક્ષેપ બંધ કરવો

  • નિવૃત્ત કર્મચારીઓ સંબંધિત મુદ્દાઓનો ઉકેલ લાવવો

  • પુરતી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરવી

  • NPS સમાપ્ત કરવું 

  • ગ્રાહકો માટે સર્વિસ ટેક્સ ઘટાડવો

  • સારું પ્રદર્શન ન કરવાના નામે અધિકારીઓની હેરાનગતિ બંધ કરવી


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....