તમિલનાડુની જેમ સમગ્ર દેશમાં પછાત વર્ગના સમુદાયને 69 ટકા અનામત મળવી જોઈએઃ જિતેન્દ્રનાથ
પછાત વર્ગ માટે 50 ટકા મર્યાદા નક્કી કરવી સંપૂર્ણપણે ગેરકાયદે છે. તેમણે જણાવ્યું કે, આ બાબતનો બંધારણમાં ક્યાંય ઉલ્લેખ કરાયો નથી અને સુપ્રીમ કોર્ટે પણ આવો કોઈ ચૂકાદો આપ્યો નથી
નવી દિલ્હીઃ દલિત અને અતિ પછાત વર્ગ માટે અનામતની મર્યાદા વધારવા માટે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ અધિકાર સંમેલનની શરૂઆત કરી છે. આ અધિકાર સંમેલન દ્વારા રાલોસપાએ કેન્દ્ર સરકાર સમક્ષ માગ મુકી છે કે, તમિલનાડુની જેમ સમગ્ર દેશમાં સામાજિક રીતે પછાત વર્ગને 69 ટકા અનામતનો લાભ મળવો જોઈએ.
રાલોસપાના અતિપછાત વર્ગના પ્રભારી જિદેન્દ્ર નાથે ઝી-ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અનામતની માગ અંગે બિહારનાં 38 જિલ્લામાં અધિકાર સંમેલનની શરૂઆત થઈ ચુકી છે. ટૂંક સમયમાં જ આ સંમેલન બિહારના દરેક શહેર અને ગામ સુધી લઈ જવામાં આવશે. સંમેલનના પ્રથમ તબક્કામાં બિહારના તમામ જિલ્લામાં કાર્યક્રમોનું આયોજન કરીને સમાજના લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
ઝી ડિજિટલ સાથેની વાતચીતમાં જિદેન્દ્રનાથે વધુમાં જણાવ્યું કે, પછાત વર્ગ માટે 50 ટકાની મર્યાદા નક્કી કરવી સંપૂર્ણપણે ગેરકાયદે છે. તેમણે જણાવ્યું કે, આ બાબતનો બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી કે સુપ્રીમ કોર્ટે પણ આવો કોઈ ચૂકાદો આપ્યો નથી. આ બાબતે સુપ્રીમ કોર્ટે એક સુચન કર્યુંહતું, જેને સરકારો કાયદો માનીને અનામતની મહત્ત્મ મર્યાદા 50 ટકા માનવા લાગ્યા છે.
તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે, તમિલનાડુમાં 69 ટકા અનામતની વ્યવસ્થા છે. જો આ વ્યવસ્થા ગેરકાયદે છે તો પછી તમિલનાડુમાં કેવી રીતે લાગુ થઈ શકે છે. તમિલનાડની અનામતની આ વ્યવસ્થા જો કાયદેસરની હોય તો પણ તેને તાત્કાલિક ધોરણે સમગ્ર દેશમાં લાગુ કરવી જોઈએ.
વર્તમાનમાં દેશમાં બેકલોગને કારણે લગભગ 30 લાખથી વધુ જગ્યાઓ ખાલી પડેલી છે. જેમાંથી 10 લાખ બેકલોગ પદ પર પછાત વર્ગનો અધિકાર છે. આથી આ ખાલી જગ્યાઓ પણ તાત્કાલિક ધોરણે ભરવી જોઈએ.
આ સાથે જ તેમણે જણાવ્યું કે, 2011માં જે જાતીય-સામાજિક આધારે વસતી ગણતરી કરવામાં આવી છે, તેના આંકડાને વહેલી તકે પ્રકાશિત કરવા જોઈએ. જેનાથી દલિત, અતિ પછાત વર્ગ અને આદિવાસી સમાજની આર્થિક અને સામાજિક સ્થિતિ સાથે સંકળાયેલી વાસ્તવિક્તા બહાર આવે.