બિહારમાં મોબ લિંચિંગ: વિદ્યાર્થીનીનું અપહરણ કરવા આવેલ 3ની હત્યા
બિહારના બેગુસરાયમાં ટોળાએ 3 અસામાજીક તત્વોને માર મારીને હત્યા કરી દીધી હતી, વિદ્યાર્થીનીનું અપહરણ કરવા માટે આવ્યા હતા 3 ગુંડા
પટના : લોકશાહી પર ટોળાશાહી ફરી એકવાર હાવી થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલની ઘટના બિહારના બેગુસરાય જિલ્લાની છે, જ્યાં શુક્રવારે હથિયારબંધ ત્રણ લોકો વિદ્યાર્થીનીનું અપહરણ કરવાનાં ઇરાદા સાથે એક શાળાની અંદર ઘુસ્યા હતા. જો કે આ ગુંડાઓ પોતાના મનસુબાઓ પાર પાડે તે પહેલા જ શાળામાં હાજર સ્થાનિક લોકોના રોષનો ભોગ બન્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ત્રણેયને ઢોર માર મારતા ત્રણેયના મોત નિપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર બેગુસરાય જિલ્લાનાં છારોહી પોલીસ સ્ટેશન વિસ્તારનાં પંસલ્લા ગામ ખાતે નવસૃજિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું અપહરણ કરવાનાં ઇરાદે આ ત્રણેય અસામાજીક તત્વો પહોંચ્યા હતા.આ ત્રણેય વિદ્યાર્થીનીનું અપહરણ કરવાની ફિરાકમાં હતા. ત્યાસે શાળાનાં પ્રિંસિપાલે તેનો વિરોધ કર્યો હતો. જેના પગલે ગુંડાઓએ પ્રિંસિપાલ સાથે મારામારી કરી હતી.
ત્યાર બાદ શાળાનાં પરીસરમાં હોબાળો થતા સ્થાનીક લોકો મોટા પ્રમાણમાં એકત્ર થઇ ગયા હતા. સેંકડો લોકોને એકત્ર થતા જોઇ ત્રણેય બદમાશો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. જો કે કેટલાક લોકોએ ત્રણ પૈકી એકને પકડી લીધો હતો અને તેને માર મારવા લાગ્યા હતા. જો કે લોકોનો ગુસ્સો શાંત નહી થતા શાળાનાં એક ઓરડામાં છુપાયેલા અન્ય બંન્ને ગુંડાઓને પણ બહાર પાડીને માર મારવા લાગ્યા હતા.
જેના પગલે ત્રણેય ગુંડાઓ અધમુવા થઇ ગયા હતા. ત્યાર બાદ તેમને જેમ તેમ કરીને હોસ્પિટલ ખસેડાયા પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્રણ પૈકી બેની ઓળક હિરા સિંહ અને મુકેશ મહતો તરીકે થઇ છે. જ્યારે ત્રીજી વ્યક્તિની હજી સુધી ઓળખ થઇ શકી નથી. સુપ્રીમ કોર્ટે આજે જ મોબ લિંચિંગ મુદ્દે આકરૂ વલણ અખતિયાર કર્યું હતું. કેન્દ્ર સરકારને પણ કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.