ચેન્નઈમાં કેમ ઉતર્યુ વ્હેલ જેવું જ દેખાતું વિમાન? જાણો બેલુગા એરબસની વિશેષતા
ચેન્નઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 11 જુલાઈ 2022ના દિવસે એરબસ કંપનીનું બેલુગા વિમાન પહેલીવાર ઉતર્યુ. તેને સત્તાવાર રીતે એરબસ- A300-608ST (સુપર ટ્રાન્સપોર્ટર) કહેવાય છે.
ચેન્નઈ: ચેન્નઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 11 જુલાઈ 2022ના દિવસે એરબસ કંપનીનું બેલુગા વિમાન પહેલીવાર ઉતર્યુ. તેને સત્તાવાર રીતે એરબસ- A300-608ST (સુપર ટ્રાન્સપોર્ટર) કહેવાય છે. તેને બેલુગા એટલા માટે કહેવામાં આવે છે. કેમ કે તેની ડિઝાઈન બેલુગા વ્હેલ જેવી જ છે. હવે તમે વિચારી રહ્યા હશો કે દુનિયાના સૌથી મોટા કાર્ગો વિમાનમાંથી એક એવું વિમાન ચેન્નઈમાં કેમ ઉતર્યુ?.
ક્યાંથી આવ્યું બેલુગા વિમાન:
આ બેલુગા એરબસ સુપર ટ્રાન્સપોર્ટર વિમાન 7 જુલાઈ 2022ના દિવસે ફ્રાંસના તોઉલોઉથી ઉડ્યું હતું. તેના પછી તે માર્સિલે, કાયરો, અબુધાબી અને અમદાવાદ થઈને ચેન્નઈમાં ઉતર્યુ. તેને ચેન્નઈમાં ઈંધણ ભરાવવાનું હતું. સાથે જ તેના ક્રૂને કેટલોક સમય આરામ કરવાનો હતો. આ વિમાન ચેન્નઈથી સિંગાપુર માટે રવાના થયું. જ્યાં કોઈ અજાણ્યો પેસેન્જર તેની રાહ જોઈ રહ્યો હતો. પેસેન્જરના નામનો ખુલાસો એરબસ કંપનીએ કર્યો નથી.
ક્યારે શરૂ થઈ હતી બેલુગા વિમાનની પહેલી ઉડાન:
બેલુગા એરબસની પહેલી ઉડાન 13 સપ્ટેમ્બર 1994માં થઈ હતી. એરબસે 1992થી 1999ની વચ્ચે માત્ર પાંચ આવા વિમાન બનાવ્યા છે. આટલા મોટા વિમાનને માત્ર બે પાઈલટ ઉડાવે છે. તે 40,700 કિલોગ્રામ વજન લઈ જવામાં સક્ષમ છે. આ વિમાન 184.3 ફૂટ લાંબુ અને 56.7 ફૂટ ઉંચું છે. જ્યારે તે સંપૂર્ણ રીતે ખાલી હોય છે ત્યારે તેનું વજન 86,500 કિલોગ્રામ હોય છે. તેમાં 23,860 લીટર ઈંધણ આવે છે.
કેટલું ઉડી શકે છે વિમાન:
બેલુગા એરબસની મહત્તમ ગતિ 864 કિલોમીટર પ્રતિ કલાક છે. તે એકવારમાં 27,779 કિલોમીટર સુધી ઉડાન ભરી શકે છે. તે વધારેમાં વધારે 35 હજાર ફૂટની ઉંચાઈ સુધી જઈ શકે છે. તેને જનરલ ઈલેક્ટ્રિક સીએફ6-80સી2એ8 ટર્બોફેન એન્જિન તાકાત આપે છે. દરેક એન્જિન 257 કિલોન્યૂટનનો થ્રસ્ટ આપે છે.
1997માં બેલુગાએ રેકોર્ડ બનાવ્યો:
જૂન 1997માં બેલુગા એરબસે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ હતો બિઝનેસ જહાજના કેમિકલ ટેન્કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો. ફેબ્રુઆરી 2003માં બેલુગા એરબસે સતત 25 કલાકની ઉડાન ભરીને NHI NH90 હેલિકોપ્ટર અને એક યૂરોકોપ્ટર ટાઈગર અટેક હેલિકોપ્ટરને ફ્રાંસના માર્સિલેથી ઓસ્ટ્રેલિયાના મેલબર્ન સુધી પહોંચાડ્યું હતું.
2004માં સુનામીમાં બચાવ કામગીરીમાં મદદ કરી:
વર્ષ 2004માં આવેલી સુનામીમાં બેલુગા એરબસે ભારતીય હિંદ મહાસાગરના વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્યોમાં પણ મદદ કરી હતી. હરિકેન કેટરીના સમયે તેણે ઘણી મદદ કરી હતી. આ એકમાત્ર એવું વિમાન છે જે અત્યાર સુધી અનેક દેશોના સેટેલાઈટ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી ચૂક્યું છે. વર્ષ 2009માં તેણે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના ટ્રાન્ક્વિલિટી મોડ્યુલને કઝાકિસ્તાન સ્થિત બેકાનૂર કોસ્મોડ્રોમ પહોંચાડ્યો હતો.
રશિયા-યુક્રેન યુદ્ધ પછી બેલુગાની ડિમાન્ડમાં વધારો:
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે એન્ટોનોવ વિમાનના ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ત્યારે બેલુગા એરબસની માગણીમાં વધારો થયો. હવે આખી દુનિયામાં આ વિમાનન મોટા કાર્ગોના પરિવહન માટે ઝડપથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે પોતાના પેટની અંદર વિન્ડ ટર્બાઈનને લઈ જઈ શકે છે. કે પછી કોઈ રોકેટના બૂસ્ટરને. કે પછી ત્રણ હેલિકોપ્ટર કે પછી ચાર ટેન્કને લઈ જઈ શકે છે.