નવી દિલ્હી: ભારતની સ્વદેશી કોરોના રસી વિશે મોટા સમાચાર આવ્યા છે. ભારત બાયોટેકે પોતાની કોવિડ રસી COVAXIN ના ત્રીજા ફેઝના ટ્રાયલના પરિણામ (Third Phase Trial) જાહેર કર્યા છે. જે મુજબ COVAXIN કોરોના વિરુદ્ધ 77.8% અસરકારક છે. જ્યારે ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટ સામે તે 65.2% અસરકારક છે. ત્રીજા તબક્કાની ટ્રાયલમાં કુલ 24,419 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 12,221 લોકોને અસલી વેક્સીનના બંને ડોઝ અપાયા હતા. જ્યારે 12,198 લોકોને પ્લેસિબો અપાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંભીર સંક્રમણમાં  93.4% પ્રભાવી
કોરોના વાયરસના ગંભીર સંક્રમણનો ભોગ બનેલા લોકોની વાત કરીએ તો કોવેક્સીન તેના વિરુદ્ધ  93.4% પ્રભાવી જણાઈ છે. કંપનીએ અધિકૃત રીતે પરિણામો બહાર પાડતા જણાવ્યું કે ત્રીજા ફેઝની ટ્રાયલમાં ભાગ લેનારા 16,973 લોકોને બંને ડોઝ (અસલ વેક્સીન કે પ્લેસિબો) આપ્યાના ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી. તેના ફોલોઅપમાં જાણવા મળ્યું કે 130 વોલેન્ટિયર્સને કોરોના સંક્રમણ થયું, તેમાંથી 24 લોકો એવા હતા જેમને અસલ રસીના બંને ડોઝ અપાયા બાદ કોવિડ થયો જ્યારે 124 વોલેન્ટિયર્સ એવા હતા જેમને પ્લેસિબો આપ્યા બાદ કોવિડ થયો હતો. 


એ જ રીતે કોવિડનું ગંભીર સંક્રણ જે 16 વોલેન્ટિયર્સમાં જોવા મળ્યું તેમાંથી ફક્ત એકને જ અસલી રસી આપવામાં આવી હતી જ્યારે બાકીના 15ને પ્લેસિબો આપવામાં આવી હતી. આ ટ્રાયલમાં જાણવા મળ્યું કે 60 વર્ષથી ઉપરના લોકોમાં કોવેક્સીન  67.8% પ્રભાવી છે. અને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો પર 79.4% પ્રભાવી છે. 


આડઅસર પણ જોવા મળી
ત્રીજા ફેઝની ટ્રાયલ દરમિયાન કુલ 99 વોલેન્ટિયર્સમાં ગંભીર સાઈડ ઈફેક્ટ્સ પણ જોવા મળી.  જેમાંથી 39 વોલેન્ટિયર્સ અસલ રસીવાળા અને 60 પ્લેસિબોવાળા હતા. ત્રીજા ફેઝની ટ્રાયલમાં ભાગ લેનારા 15 વોલેન્ટિયર્સના મોત પણ થયા છે. જેને લઈને કંપનીએ ભાર દઈને કહ્યું છે કે તેમાંથી કોઈ પણ વોલેન્ટિયરના મોતનું કારણ રસી કે પ્લેસિબોની આડઅસર નહતી. તેમાંથી 5 વોલેન્ટિયર્સને અસલ રસી અને 10 ને પ્લેસિબો અપાઈ હતી. આ સાથે જ મૃત્યુ પામનારામાંથી 15 વોલેન્ટિયર્સમાંથી 6ના મોત જ કોરોના સંક્રમણના કારણે થયા હતા. જેમાંથી એકને અસલ રસી અને 5ને પ્લેસિબો અપાઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube