Bharat Jodo Yatra: 150 દિવસ સુધી રાહુલ ગાંધી કન્ટેઈનરમાં સૂઈ જશે, જાણો `ભારત જોડો યાત્રા` અંગે તમામ વિગતો
Bharat Jodo Yatra: રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને સામાન્ય લોકો સાથે જોડવાની કવાયત કરી રહ્યા છે. આથી ચમકદમકથી દૂર એકદમ સાધારણ રીતે આ યાત્રા પૂરી કરવા માંગે છે. સ્પષ્ટ છે કે રાહુલ ગાંધી તેને એક યાત્રા કહે છે પરંતુ રાજકીય વિશેષજ્ઞો તેને 2024ની તૈયારી માને છે. આવામાં રાહુલ ગાંધી કોઈ પણ હોટલમાં રોકાવવાની જગ્યાએ કન્ટેઈનરમાં રહેશે અને ટેન્ટમાં પાર્ટી નેતાઓ સાથે ભોજન કરશે.
Bharat Jodo Yatra: લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસને એકજૂથ કરવા અને પાર્ટી કાર્યકરોમાં નવો જોશ ભરવા માટે રાહુલ ગાંધી દેશના દક્ષિણી છેડા પર આવેલા કન્યાકુમારીથી 150 દિવસનું નવું મિશન 'ભારત જોડો યાત્રા' શરૂ કરી રહ્યા છે. આ યાત્રા કન્યાકુમારીથી શરૂ થઈને કાશ્મીરમાં પૂરી થશે. 150 દિવસ સુધી ચાલનારી કોંગ્રેસની આ ભારત જોડો યાત્રા દેશના 12 રાજ્યોમાંથી પસાર થશે અને 3570 કિલોમીટરનું અંતર કાપશે. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના નેતા અને સિવિલ સોસાયટી સાથે સંકળાયેલા 300 લોકો પદયાત્રામાં સામેલ થશે. કોંગ્રેસે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતું કે રાહુલ ગાંધી યાત્રા દરમિયાન કોઈ હોટલમાં નહીં રોકાય. તેઓ એકદમ સાધારણ રીતે આ યાત્રા પૂરી કરશે. આવામાં સવાલ એ ઉઠે છે કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન પાંચ મહિના ક્યાં અને કેવી રીતે રહેશે. તેઓ શું ખાશે અને ક્યાં સુઈ જશે. તેમની સાથે ચાલનારા લગભગ તમામ યાત્રીઓનું ખાવા પીવાનું અને સૂવાનું કઈ રીતે રહેશે.
રાહુલ ગાંધીનું હરતું ફરતું 'ઘર'
3570 કિલોમીટરની આ ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી એક કન્ટેઈનરમાં સૂઈ જશે એટલે કે એ જ તેમનું હરતું ફરતું ઘર હશે. તેઓ 150 દિવસ સુધી આ જ કન્ટેઈનરમાં રહેશે. સૂવા માટે બેડ, ટોઈલેટ, અને અન્ય વ્યવસ્થા પણ તેમાં કરવામાં આવી છે. ભારત જોડો યાત્રા દરમિયાન અનેક વિસ્તારોમાં તાપમાન વધુ હશે. 3570 કિલોમીટરની આ યાત્રામાં અનેક વિસ્તારો એવા છે જ્યાં ભારે ગરમી હશે. આથી કન્ટેઈનરમાં એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કન્ટેઈનરમાં જ સૂવા માટે ગાદલા અને ટોઈલેટ બનાવડાવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને સામાન્ય લોકો સાથે જોડવાની કવાયત કરી રહ્યા છે. આથી ચમકદમકથી દૂર એકદમ સાધારણ રીતે આ યાત્રા પૂરી કરવા માંગે છે. સ્પષ્ટ છે કે રાહુલ ગાંધી તેને એક યાત્રા કહે છે પરંતુ રાજકીય વિશેષજ્ઞો તેને 2024ની તૈયારી માને છે. આવામાં રાહુલ ગાંધી કોઈ પણ હોટલમાં રોકાવવાની જગ્યાએ કન્ટેઈનરમાં રહેશે અને ટેન્ટમાં પાર્ટી નેતાઓ સાથે ભોજન કરશે.
દરરોજ એક નવું ગામ
કન્યાકુમારીથી કાશ્મીર સુધી 3570 કિલોમીટર સુધી ચાલનારી ભારત જોડો યાત્રા દરમિયાન દરરોજ કન્ટેઈનર દ્વારા એક નવું ગામ વસાવવામાં આવશે. જ્યાં રાહુલ ગાંધી અને તેમની સાથે ચાલનારા યાત્રીઓ રોકાશે. આ માટે લગભગ 60 જેટલા કન્ટેઈનરને આશિયાના તરીકે તૈયાર કરાયા છે. જેમને ટ્રકો પર રાખવામાં આવ્યા છે. આ તમામ કન્ટેઈનર રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન સાથે નહીં જોવા મળે પરંતુ દિવસના અંતમાં નિર્ધારિત જગ્યા પર યાત્રામાં સામેલ લોકો પાસે તેને પહોંચાડવામાં આવશે.
રાત્રિ વિશ્રામ માટે આ તમામ કન્ટેઈનરને ગામડા સ્વરૂપે દરરોજ એક નવી જગ્યાએ ઊભા કરવામાં આવશે. રાહુલ ગાંધી સુરક્ષા કારણોસર એક અલગ કન્ટેઈનરમાં સૂઈ જશે જ્યારે બાકી અન્ય કન્ટેઈનરોમાં 12 લોકો સૂઈ શકે તેવી વ્યવસ્થા છે. આ કન્ટેઈનરના ગામમાં તમામ ુસાફરી એક ટેન્ટમાં રાહુલ ગાંધી સાથે ભોજન કરશે. જે પૂર્ણકાલિક યાત્રી રાહુલ ગાંધી સાથે રોકાશે તેઓ એક સાથે ખાવાનું ખાશે અને આસપાસ જ રહેશે.
રોજ 22-23 કિમીનો પ્રવાસ
કોંગ્રેસની આ યાત્રામાં મોટાભાગના લોકો કન્યાકુમારીથી જ સામેલ થઈ જશે. આ યાત્રા 5 મહિના સુધી ચાલશે. આથી યાત્રામાં સામેલ થનારા તમામ નેતાઓને જણાવવામાં આવ્યું છે કે કપડાં ધોવાની સુવિધા 3 દિવસમાં એકવાર મળી શકશે. આ મુસાફરી એક દિવસમાં 22-23 કિલોમીટર સુધી થઈ શકશે. આ યાત્રા દરરોજ દિવસના પ્રથમ પહેરમાં વહેલી સવારે 7 વાગે શરૂ થશે અને સવારે 10 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ થોડો આરામ કરાશે અને યાત્રા બીજા તબક્કામાં 3.30 વાગે શરૂ થશે અને સાંજે 7 વાગ્યા સુધી ચાલશે.
300 લોકો સામેલ
કોંગ્રેસે ભારત જોડો યાત્રા માટે મોટા પાયે તૈયારી કરી છે. આ યાત્રાનું નેતૃત્વ રાહુલ ગાંધી કરી રહ્યા છે. જ્યારે તેમની સાથે પાર્ટીના 117 અન્ય નેતાઓ પણ યાત્રામાં સામેલ થશે. કોંગ્રેસના આ નેતાઓમાં 28 મહિલાઓ પણ છે. મહિલાઓના રોકાવવાની અને સૂવા માટે અલગ કન્ટેઈનર વ્યવસ્થા કરાઈ છે. કોંગ્રેસ નેતાઓ ઉપરાંત સિવિલ સોસાયટીના લોકો, સુરક્ષાકર્મીઓ, પાર્ટીની કમ્યુનિકેશન ટીમના સભ્યો જેમાં ફોટોગ્રાફર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંભાળતા લોકો અને સાથે મેડિકલ ટીમના લોકો પણ યાત્રામાં સામેલ થશે. આ પ્રકારે બધા મળીને સંખ્યા 300 સુધી થઈ રહી છે.
યાત્રામાં સામેલ લોકો જ તૈયાર કરશે ભોજન
ભારત જોડો યાત્રામાં સામેલ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પોતાનો નાશ્તો અને ભોજન પોતે જાતે તૈયાર કરશે. જો કે કેટલીક જગ્યાઓ પર રાજ્ય કોંગ્રેસની શાખાઓ પણ યાત્રામાં સામેલ લોકો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરશે. કોંગ્રેસ આ યાત્રા માટે કોઈ પણ પ્રકારના બહારના લોકોને સામેલ કરી રહી નથી. રાહુલ ગાંધી સાથે ચાલતા તમામ યાત્રીઓ એક સાથે નાશ્તો અને ભોજન એક જ જગ્યાએ ટેન્ટમાં બેસીને કરશે.
કાશ્મીરથી અરુણાચલના નેતાઓ સામેલ
ભારત જોડો યાત્રામાં સામેલ થનારા નેતાઓમાં જમ્મુ કાશામીરથી લઈને અરુણાચલના નેતાઓ સામેલ છે. અરુણાચલથી આવનારા આઝમ જોમબલા 25 વર્ષના સૌથી યુવા યાત્રી છે. અરુણાચલ પ્રદેશથી જ 25 વર્ષના બેમ બાઈ નામના વ્યક્તિ પણ યાત્રામાં સામેલ થવા જઈ રહ્યા છે. જ્યારે સૌથી વૃદ્ધ યાત્રી વિજેન્દ્ર સિંહ મહલાવત રાજસ્થાનના રહીશ છે. મહલાવતની ઉંમર 58 વર્ષ છે. જો કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ યાત્રામાં વચ્ચે વચ્ચે સામેલ થઈ રહ્યા છે. જેમાંથી કેટલાક નેતાઓ તો વયોવૃદ્ધ છે. આ ઉપરાંત કોંગ્રેસ સંગઠન સાથે જોડાયેલા નેતાઓ અને પ્રવક્તાઓ પણ સાથે રહેશે.
યાત્રામાં ટાઈટલ સોંગ વાગશે
કોંગ્રેસે આ યાત્રા માટે ટાઈટલ સોંગ બનાવી રાખ્યું છે. જે સમગ્ર યાત્રા દરમિયાન વાગતું રહેશે. આ ટાઈટલ સોંગને મંગળવારે તમિલમાં લોન્ચ કરાયું. જ્યારે 11 સપ્ટેમ્બરે મલિયાલમમાં અને 30 સપ્ટેમ્બરે કન્નડમાં બહાર પાડવામાં આવશે. આ પ્રકારે જ્યારે યાત્રા જે રાજ્યમાં પહોંચશે ત્યાં તે ટાઈટલ સોંગ તે રાજ્યની સ્થાનિક ભાષામાં બહાર પડતું રહેશે અને વાગતું રહેશે.
તિરંગો લઈને ચાલશે રાહુલ ગાંધી
રાહુલ ગાંધી મહાત્મા ગાંધી મંડપમ ઉપર પણ જશે જ્યાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ તેમને ભારતનો ઝંડો સોંપશે. આ ઝંડો ભારત યાત્રા દરમિયાન પાર્ટી નેતા આગળ લઈને ચાલશે. આ ઉપરાંત અન્ય કેટલાક નેતાઓ પણ પોતાના હાથમાં તિરંગો લઈને ચાલશે. આવામાં જોવાનું એ રહેશે કે પાંચ મહિનાની આ 'ભારત જોડો યાત્રા' દ્વારા પદયાત્રા કરીને રાહુલ ગાંધી કોંગ્રેસને સંજીવની આપી શકશે? અત્રે જણાવવાનું કે આજથી યાત્રાની શરૂઆત કરી દેવાઈ પરંતુ ખરેખર આ પદયાત્રાની શરૂઆત આવતી કાલથી 8 સપ્ટેમ્બરે સવારે 7 વાગે શરૂ કરશે. જે રોડમેપ બનાવવામાં આવ્યો છે તે હેઠળ આ યાત્રા તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, ચંડીગઢ, અને જમ્મુ કાશ્મીરમાંથી પસાર થશે. જો કે જ્યાં ચૂંટણી છે તે ગુજરાત અને હિમાચલ પ્રદેશને તેમાં સામેલ કરાયા નથી. જો કે એક વાત એ પણ છે કે જ્યારે આ બંને રાજ્યોમાં ચૂંટણી હશે ત્યારે કોંગ્રેસની આ યાત્રા રાજસ્થાનમાંથી પસાર થઈ રહી હશે.
રાજીવ ગાંધી સ્મારક પર પુષ્પાંજલિ આપી
આજે ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા આજે રાહુલ ગાંદીએ શ્રીપેરાંબદુરમાં તેમના પિતા અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સ્મારક પર જઈને પુષ્પાંજલિ આપી. તેમણે કહ્યું કે મે મારા પિતાને નફરત અને ભાગલાના રાજકારણમાં ગુમાવ્યા છે. હું મારા વ્હાલા દેશને પણ તેમાં ગુમાવવા નથી માંગતો. તેમણે કહ્યું કે નફરત પર પ્રેમની જીત થશે. આશા ડરને હરાવશે. આપણે બધા મળીને તેને માત આપીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube