નવી દિલ્હી : અનેક દશકો સુધી કોંગ્રેસ પાર્ટીનાં નેતા રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીએ ખુશી વ્યક્ત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમની પાર્ટીને ગર્વ છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા એક વ્યક્તિનાં યોગદાનની ઓળખ અને સન્માન આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, પ્રણવ દા, ભારત રત્ન માટે શુભકામનાઓ. કોંગ્રેસ પાર્ટીને ગર્વ છે કે જનસેવા અને રાષ્ટ્ર નિર્માણમાં અમારા પોતાનાં એક વ્યક્તિના અસીમ યોગદાનને ઓળખ અને સન્માન મળ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આ સરકારનો નિર્ણય લીધો છે. પ્રણવદા સ્વરૂપે ભારત રત્ન યોગ્ય વ્યક્તિને આપવામાં આવ્યું છે. અન્ય લોકોને પણ તેમનાં દ્વારા કરવામાં આવેલા ઉલ્લેખનીય કાર્યો માટે આ સન્માન મળ્યું છે. જે લોકોએ દેશનાં વિકાસ અને ગૌરવ માટે યોગદાન કર્યું છે, તેમને દેશ દ્વારા માન્યતા આપવી એક સ્વાગતયોગ્ય સંકેત છે. 



એક અન્ય ટ્વીટમાં રાહુલે લખ્યું, મને ખુશી છે કે ભૂપેન હજારીકા અને નાનાજી દેશમુખને મરણોપરાંત ભારત રત્નથી સન્માનીત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રખ્યાત સંગીતકાર ભૂપેન હજારિકા અને આરએસએસ સાથે જોડાયેલા નેતા અને સમાજસેવી નાનાજી દેશમુખને દેશનાં સર્વોચ્ચ નાગરિકનું સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી.