ભીમા કોરેગાંવ કેસ: 5 એક્ટિવિસ્ટ નજરકેદમાં જ રહેશે કે પોલીસ કસ્ટડીમાં જશે? સુપ્રીમ આજે કરશે ફેસલો
ભીમા કોરેગાંવ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી થવાની છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પેનલ આજે બપોરે બે વાગે આ મામલે સુનાવણી કરશે અને નક્કી કરશે કે આ પાંચ એક્ટિવિસ્ટની હાઉસ એરેસ્ટ વધારાશે કે પછી તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવશે.
નવી દિલ્હી: ભીમા કોરેગાંવ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી થવાની છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પેનલ આજે બપોરે બે વાગે આ મામલે સુનાવણી કરશે અને નક્કી કરશે કે આ પાંચ એક્ટિવિસ્ટની હાઉસ એરેસ્ટ વધારાશે કે પછી તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવશે.
ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો હતો અને પાંચ એક્ટિવિસ્ટને રાહત આપતા 6 ડિસેમન્બર સુધી હાઉસ અરેસ્ટ એટલે કે ઘરમાં જ નજરકેદ રાખવાના આદેશ આપ્યા હતાં. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે અસહમતિ લોકતંત્રનો સેફ્ટી વાલ્વ છે. તેને રોકવામાં આવશે તો તે ફાટશે. બીજી બાજુ અરજીકર્તાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે એફઆઈઆરમાં ધરપકડ કરવામાં આવેલા લોકોના નામ સુદ્ધા નથી. આ બાજુ પૂણે પોલીસ તરફથી હાજર થયેલા એએસજી તુષાર મહેતાએ કહ્યું હતું કે અરજી દાખલ કરનારાઓનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. તેઓ કઈ હેસિયતથી અરજી દાખલ કરી રહ્યાં છે. અરજીકર્તા રોમિલા થાપર, દેવકી જૈન, પ્રભાત પટનાયક, સતીષ દેશપાંડે અને માયા દારૂવાલાએ અરજી દાખલ કરીને પૂણે પોલીસની કાર્યવાહીને પડકાર ફેંક્યો છે.
એક્ટિવિસ્ટોની પોલીસ કસ્ટડીની માંગ
ભીમા કોરેગાંવ કેસમાં મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સોગંદનામુ દાખલ કરીને જણાવ્યું છે કે ધરપકડ કરાયેલા પાંચ એક્ટિવિસ્ટો સમાજમાં અરાજકતા ફેલાવવાની યોજના બનાવી રહ્યાં હતાં. પોલીસ પાસે તેના પુરતા પુરાવા છે. રાજ્ય સરકારે કહ્યું કે એક્ટિવિસ્ટોને તેમની સરકાર પ્રત્યેની અલગ સોચ કે વિચારોના કારણે ધરપકડ કરાયેલા નથી. તેમના વિરુદ્ધ પાક્કા પુરાવા છે. તેમને પોલીસ કસ્ટડીમાં મોકલવા જોઈએ. રાજ્ય સરકારે કહ્યું કે આ વાતના પુરાવા પોલીસને મળ્યા છે કે પાંચેય એક્ટિવિસ્ટ પ્રતિબંધિત આતંકી સંગઠનના સભ્ય છે. તેઓ દેશમાં હિંસાની યોજના બનાવી રહ્યાં હતાં, તથા મોટા પાયે દેશમાં હિંસા અને તોડફોડ તથા આગજની કરવાની તેમણે તૈયારીઓ પણ શરૂ કરી હતી. તેનાથી તેઓ સમાજમાં અરાજકતાનો માહોલ પેદા કરવા માંગતા હતાં. તેમના વિરુદ્ધ ગંભીર અપરાધનો કેસ બનાવવામાં આવ્યો છે. તેમની પાસેથી આપત્તિજનક સામગ્રી પણ મળી આવી છે. એ વાતના પાક્કા પુરાવા મળ્યા છે કે તમામ પ્રતિબંધિત માઓવાદી સંગઠન સીપીઆઈ (માઓવાદી)ના એક્ટિવ મેમ્બર છે.
પુણે પોલીસે પાંચ એક્ટિવિસ્ટની કરી હતી ધરપકડ
અત્રે જણાવવાનું કે ભીમા કોરેગાંવ હિંસાની તપાસ કરી રહેલી પુણે પોલીસે મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને રાંચીમાં એક સાથે દરોડા પાડીને કલાકો સુધી તલાશી લીધી હતી. ત્યારબાદ 5 લોકોની ધરપકડ કરી હતી.. પુણે પોલીસના જણાવ્યાં મુજબ તમામ લોકો પ્રતિબંધિત માઓવાદી સંગઠન સાથે લિંક ધરાવતા હોવાનો આરોપ છે. જ્યારે માનવાધિકાર કાર્યકર્તાઓ તેને સરકારના વિરોધમાં ઉઠનારા અવાજને દબાવનારી દમન કાર્યવાહી ગણાવી રહ્યાં છે. રાંચીથી ફાધર સ્ટેન સ્વામી, હૈદરાબાદથી ડાબેરી વિચારક અને કવિ વરવરા રાવ, ફરીદાબાદથી સુધા ભારદ્વાજ, દિલ્હીથી સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખાની પણ ધરપકડ થઈ છે.