ભોજપુરી અભિનેતા અને ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશનના મોટા ભાઈનું નિધન
રવિ કિશનના પરિવાર માટે દુખદ સમાચાર આવ્યા છે. હકીકતમાં ભોજપુરી એક્ટરના મોટા ભાઈનું નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. દિલ્હી એમ્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
નવી દિલ્હીઃ ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર અને ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશનના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. હકીકતમાં અભિનેતાના મોટા ભાઈ રમેશ કિશન શુક્લાનું નિધન થઈ ગયુ છે. રિપોર્ટ અનુસાર રમેશ ઘણા સમયથી કેન્સર જેવી બીમારીનો સામનો કરી રહ્યા હતા, પરંતુ 30 માર્ચ, બુધવારે તે બીમારી સામે જિંદગીનો જંગ હારી ગયા.
દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
રમેશ શુક્લાની સારવાર દિલ્હી એમ્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી. હવે તેમના પરિવાર માટે આ દુખદ સમય છે. તો રમેશના નિધનથી રાજકીય વર્તુળ અને ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ છવાયો છે. મહત્વનું છે કે રવિ કિશનના ભાઈ 52 વર્ષના હતા.
આ બીમારીથી હતા પરેશાન
અહેવાલ પ્રમાણે રમેશ શુક્લા ઘણા સમયથી કિડની અને બીપી જેવી બીમારીનો સામનો કરી રહ્યાં હતા. આ સિવાય તેમની કેન્સરની સારવાર પણ ચાલી રહી હતી. હવે દિલ્હી એમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કહેવામાં આવી રહ્યુ છે કે રમેશ શુક્લાના અંતિમ સંસ્કાર વારાણસીમાં ગંગાઘાટ પર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં ત્રણેય કોર્પોરેશનનો વિલય કરવાનું બિલ લોકસભામાં રજૂ, અમિત શાહે આપ સરકાર પર લગાવ્યો આરોપ
રવિ કિશને આપી જાણકારી
રવિ કિશને ખુદ સોશિયલ મીડિયા પર પોતાના ભાઈના નિધનની જાણકારી આપી છે. તેમણે ટ્વિટર પર રમેશ શુક્લાની તસવીર પોસ્ટ કરવાની સાથે લખ્યુ, 'દુખદ સમાચાર... આજે મારા મોટા ભાઈ શ્રી રમેશ શુક્લા જીનું એમ્સ હોસ્પિટલ દિલ્હીમાં દુખદ નિધન થયુ છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube