ભૂતિયા હલવાઈ....એક એવી મિષ્ટાનની દુકાન, જ્યાં `ભૂત` બનાવતા હતા મીઠાઈ!
અજમેર શરીફ પાસે એક દુકાન છે જેનું નામ છે ભૂતિયા હલવાઈ. એવું કહેવાય છે કે આ દુકાનમાં રાતોરાત `ભૂત` મીઠાઈ તૈયાર કરીને જતા રહેતા હતા.
ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહનું શહેર અજમેર શરીફ રાજસ્થાનને એક અલગ જ ઓળખ આપે છે. અહીં દરેક ધર્મના લોકો પોતાની કામના પૂરી કરવાની ઈચ્છા સાથે બાબાની દરગાહ પર આવે છે. આ દરગાહ પર ચડાવવામાં આવેલા ગુલાબના ફૂલોની ભીની ભીની ખુશ્બુ લોકોને આકર્ષિત કરે છે. આ સાથે જ અહીં એક ફેમસ મીઠાઈની દુકાન પણ છે જેના પકવાનની સુગંધ અને તેનો ભૂતિયો ઇતિહાસ લોકોને એકવાર ત્યાં આવવા માટે મજબૂર કરી દે છે.
આ જે દુકાન છે તેને ભૂતિયા હલવાઈના નામથી ઓળખવમાં આવે છે. આ દુકાનના નામનું રહસ્ય અને તેની સાથે જોડાયેલા તથ્યને આજે અમે તમને જણાવીશું. બ્રિટિશ શાસન કાળની આ વાત છે. આ ભૂતિયા દુકાન અલવર ગેટ, નસીરાબાદ રોડ પર આવેલી છે. ભૂતિયા હલવાઈની દુકાન આજકાલની નથી પરંતુ બ્રિટિશ કાળની છે. જેને 1933માં બનાવવામાં આવી હતી. એવું કહેવાય છે કે આ દુકાનના માલિકનું ભાગ્ય પણ રાતોરાત ચમકી ગયું હતું.
1933માં બનેલી આ દુકાનના માલિક લાલજી મૂળચંદ મથુરાના હતા. જેમણે અજમેર આવીને આ દુકાન સ્થાપી. તે સમયે બ્રિટિશરોનું શાસન હતું. આથી દુકાનો 5 વાગે બંધ થઈ જતી હતી. દુકાનના ફેમસ થવાનું કારણ હકીકતમાં આ દુકાનની પાછળ જ રેલવે સ્ટેશન હતું. સાંજ થતા અહીં સન્નાટો છવાઈ જતો હતો. ત્યારબાદથી જ લોકો આ એરિયાને ભૂતિયા કહેવા લાગ્યા કારણ કે સાંજે 5 વાગ્યા બાદ ત્યાં કોઈ દેખાતું નહતું. દુકાનના માલિકને તેનાથી કોઈ ફરક પડતો નહતો.
તેમણે દુકાનને બહારથી તો બંધ કરતા પરંતુ ત્યાં આખી રાત મહેનત કરીને દુકાનની અંદર જ મીઠાઈ બનાવતા હતા. ત્યારબાદ બીજા દિવસે દુકાનની બહાર સવાર સવારમાં મીઠાઈ અને પકવાનોની વેરાઈટી જોવા મળતી હતી. જેના કારણે લોકો ચોંકી જતા હતા. અહીં આજુબાજુવાળા વિચારતા કે રોજ ભૂત આવીને બધી મીઠાઈ બનાવીને જતું રહે છે. ત્યારબાદ આ મીઠાઈની માંગણી વધવા લાગી હતી. આ રીતે તેમની દુકાન ખુબ ચાલવા લાગી.
તમને પણ એમ થતું હશે કે આ દુકાનનું નામ આવું તે કેવુ ભૂતિયા હલવાઈ? તો તમને જણાવી દઈએ કે આની પાછળ રસપ્રદ કારણ છે. લોકો એવું માનીને બેઠા હતા કે દુકાનમાં ભૂત આવીને મીઠાઈ બનાવીને જતું રહે છે આથી લોકો તેને ભૂતિયા હલવાઈના નામથી જ ઓળખવા લાગ્યા. હવે આ દુકાન એટલી પ્રખ્યાત છે કે લોકો દૂર દૂરથી અહીં મીઠાઈ ચાખવા માટે આવે છે. ખાસ કરીને ગુંદરના લાડુ. હવે આ દુકાન લાલજી મૂળચંદના પૌત્રો ચલાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube